જ્ઞાનરૂપ સ્વભાવ તેને અનુકૂળ છે, રાગ-દ્વેષરૂપ વિભાવ પ્રતિકૂળ છે. ૨૯૯.
પરિભ્રમણ કરતાં અનંત કાળ વીત્યો. તે અનંત કાળમાં જીવે ‘આત્માનું કરવું છે’ એવી ભાવના તો કરી પણ તત્ત્વરુચિ અને તત્ત્વમંથન કર્યું નહિ. પોસાણમાં તો એક આત્મા જ પોષાય તેવું જીવન કરી નાખવું જોઈએ. ૩૦૦.
જીવ રાગ અને જ્ઞાનની એકતામાં ગૂંચવાઈ ગયો છે. નિજ અસ્તિત્વને પકડે તો ગૂંચવણ નીકળી જાય. ‘હું જ્ઞાયક છું’ એવું અસ્તિત્વ ખ્યાલમાં આવવું જોઈએ. ‘જ્ઞાયક સિવાયનું બીજું બધું પર છે’ એમ તેમાં આવી ગયું. ૩૦૧.
જ્ઞાનીને સંસારનું કાંઈ જોઈતું નથી; તે સંસારથી ભયભીત છે. તે મોક્ષના માર્ગે ચાલે છે, સંસારને પીઠ દીધી છે. સ્વભાવમાં સુભટ છે, અંદરથી નિર્ભય છે, કોઈથી ડરતા નથી. કોઈ ઉપસર્ગનો ભય નથી. મારામાં કોઈનો પ્રવેશ નથી — એમ નિર્ભય છે. વિભાવને તો કાળા નાગની જેમ છોડી દીધો છે. ૩૦૨.