૧૦૬
પોતાનો મહિમા જ પોતાને તારે. બહારનાં ભક્તિ- મહિમાથી નહિ પણ ચૈતન્યની પરિણતિમાં ચૈતન્યના નિજ મહિમાથી તરાય છે. ચૈતન્યના મહિમાવંતને ભગવાનનો સાચો મહિમા હોય છે. અથવા ભગવાનનો મહિમા સમજવો તે નિજ ચૈતન્યમહિમા સમજવામાં નિમિત્ત થાય છે. ૩૧૬.
મુનિરાજ વંદના-પ્રતિક્રમણ આદિમાં માંડમાંડ જોડાય છે. કેવળજ્ઞાન થતું નથી માટે જોડાવું પડે છે. ભૂમિકા પ્રમાણે તે બધું આવે છે પણ સ્વભાવથી વિરુદ્ધ હોવાને લીધે ઉપાધિરૂપ લાગે છે. સ્વભાવ નિષ્ક્રિય છે તેમાંથી મુનિરાજને બહાર આવવું ગમતું નથી. જેને જે કામ ન ગમે તે કાર્ય તેને બોજારૂપ લાગે છે. ૩૧૭.
જીવ પોતાની લગનીથી જ્ઞાયકપરિણતિને પહોંચે છે. હું જ્ઞાયક છું, હું વિભાવભાવથી જુદો છું, કોઈ પણ પર્યાયમાં અટકનાર હું નથી, હું અગાધ ગુણોથી ભરેલો છું, હું ધ્રુવ છું, હું શુદ્ધ છું, હું પરમ- પારિણામિકભાવ છું — એમ, સમ્યક્ પ્રતીતિ માટેની લગનીવાળા આત્માર્થીને અનેક પ્રકારે વિચારો આવે છે.