બહેનશ્રીનાં વચનામૃત
૧૦૯
જેમ એક રત્નનો પર્વત હોય અને એક રત્નનો
કણિયો હોય ત્યાં કણિયો તો વાનગીરૂપ છે, પર્વતનો
પ્રકાશ અને તેની કીમત ઘણી વધારે હોય; તેમ
કેવળજ્ઞાનનો મહિમા શ્રુતજ્ઞાન કરતાં ઘણો વધારે છે. એક
સમયમાં સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને સંપૂર્ણપણે જાણનાર
કેવળજ્ઞાનમાં અને અલ્પ સામર્થ્યવાળા શ્રુતજ્ઞાનમાં — ભલે
તે અંતર્મુહૂર્તમાં બધુંય શ્રુત ફેરવી જનાર શ્રુતકેવળીનું
શ્રુતજ્ઞાન હોય તોપણ — ઘણો મોટો તફાવત છે. જ્યાં જ્ઞાન
અનંત કિરણોથી પ્રકાશી નીકળ્યું, જ્યાં ચૈતન્યની
ચમત્કારિક ૠદ્ધિ પૂર્ણ પ્રગટ થઈ ગઈ — એવા પૂર્ણ
ક્ષાયિક જ્ઞાનમાં અને ખંડાત્મક ક્ષાયોપશમિક જ્ઞાનમાં
અનંતો ફેર છે. ૩૨૪.
✽
જ્ઞાનીને સ્વાનુભૂતિ વખતે કે ઉપયોગ બહાર આવે
ત્યારે દ્રષ્ટિ તળ ઉપર કાયમ ટકેલી છે. બહાર એકમેક
થયેલો દેખાય ત્યારે પણ તે તો (દ્રષ્ટિ-અપેક્ષાએ) ઊંડી
ઊંડી ગુફામાંથી બહાર નીકળતો જ નથી. ૩૨૫.
✽
તળ સ્પર્શ્યું તેને બહાર થોથું લાગે છે. ચૈતન્યના
તળમાં પહોંચી ગયો તે ચૈતન્યની વિભૂતિમાં પહોંચી
ગયો. ૩૨૬.
✽