૧૧૦
દેવલોકમાં ઊંચી જાતનાં રત્નો અને મહેલો હોય તેથી આત્માને શું? કર્મભૂમિના મનુષ્યો રાંધી ખાય ત્યાં પણ આકુળતા અને દેવોને અમી ઝરે ત્યાં પણ આકુળતા જ છે. છ ખંડને સાધનારા ચક્રવર્તીના રાજ્યમાં પણ આકુળતા છે. અંતરની ૠદ્ધિ ન પ્રગટે, શાન્તિ ન પ્રગટે, તો બહારની ૠદ્ધિ અને વૈભવ શી શાન્તિ આપે? ૩૨૭.
મુનિદશાની શી વાત! મુનિઓ તો પ્રમત્ત- અપ્રમત્તપણામાં સદા ઝૂલનારા છે! તેમને તો સર્વગુણ- સંપન્ન કહી શકાય! ૩૨૮.
મુનિરાજ વારંવાર નિર્વિકલ્પપણે ચૈતન્યનગરમાં પ્રવેશી અદ્ભુત ૠદ્ધિને અનુભવે છે. તે દશામાં, અનંત ગુણોથી ભરપૂર ચૈતન્યદેવ ભિન્નભિન્ન પ્રકારના ચમત્કારિક પર્યાયરૂપ તરંગોમાં અને આશ્ચર્યકારી આનંદતરંગોમાં ડોલે છે. મુનિરાજ તેમ જ સમ્યગ્દ્રષ્ટિ જીવનું આ સ્વસંવેદન કોઈ જુદું જ છે, વચનાતીત છે. ત્યાં શૂન્યતા નથી, જાગૃતપણે અલૌકિક ૠદ્ધિનું અત્યંત સ્પષ્ટ વેદન છે. તું ત્યાં જા, તને ચૈતન્યદેવનાં દર્શન થશે. ૩૨૯.