બહેનશ્રીનાં વચનામૃત
૧૧૧
અહો! મુનિરાજ તો નિજાત્મધામમાં નિવાસ કરે છે.
તેમાં વિશેષ વિશેષ એકાગ્ર થતાં થતાં તેઓ વીતરાગતાને
પ્રાપ્ત કરે છે.
વીતરાગતા થવાથી તેમને જ્ઞાનની અગાધ અદ્ભુત
શક્તિ પ્રગટ થાય છે. જ્ઞાનનો અંતર્મુહૂર્તનો સ્થૂલ ઉપયોગ
છૂટી એક સમયનો સૂક્ષ્મ ઉપયોગ થઈ જાય છે. તે
જ્ઞાન પોતાના ક્ષેત્રમાં રહીને બધેય પહોંચી વળે છે —
લોકાલોકને જાણી લે છે, ભૂત – વર્તમાન – ભાવી સર્વ
પર્યાયોને ક્રમ પડ્યા વિના એક સમયમાં વર્તમાનવત્
જાણે છે, સ્વપદાર્થ તેમ જ અનંત પરપદાર્થોની ત્રણે
કાળની પર્યાયોના અનંત અનંત અવિભાગ પ્રતિચ્છેદોને
એક સમયમાં પ્રત્યક્ષ જાણે છે. — આવા અચિંત્ય
મહિમાવંત કેવળજ્ઞાનને વીતરાગ મુનિરાજ પ્રાપ્ત કરે છે.
કેવળજ્ઞાન પ્રગટતાં, જેમ કમળ હજાર પાંખડીથી
ખીલી નીકળે તેમ, દિવ્યમૂર્તિ ચૈતન્યદેવ અનંત ગુણોની
અનંત પાંખડીઓથી ખીલી ઊઠે છે. કેવળજ્ઞાની ભગવાન
ચૈતન્યમૂર્તિના જ્ઞાન-આનંદાદિ અનંત ગુણોની પૂર્ણ
પર્યાયોમાં સાદિ-અનંત કેલિ કરે છે; નિજધામની અંદરમાં
શાશ્વતપણે બિરાજી ગયા, તેમાંથી કદી બહાર આવતા
જ નથી. ૩૩૦.
✽