મોક્ષમાર્ગનું સ્વરૂપ ટૂંકામાં કહીએ તો ‘અંદરમાં જ્ઞાયક આત્માને સાધ’. આ ટૂંકામાં બધું કહેવાઈ ગયું. વિસ્તાર કરવામાં આવે તો અનંત રહસ્ય નીકળે, કારણ કે વસ્તુમાં અનંતા ભાવો ભરેલા છે. સર્વાર્થસિદ્ધિના દેવો તેત્રીસ તેત્રીસ સાગરોપમ જેટલા કાળ સુધી ધર્મચર્ચા, જિનેંદ્રસ્તુતિ ઇત્યાદિ કર્યા કરે છે. એ બધાંનો સંક્ષેપ ‘શુભાશુભ ભાવોથી ન્યારા એક જ્ઞાયકનો આશ્રય કરવો, જ્ઞાયકરૂપ પરિણતિ કરવી’ તે છે. ૩૪૫.
પૂજ્ય ગુરુદેવે તો આખા ભારતના જીવોને જાગૃત કર્યા છે. સેંકડો વર્ષોમાં જે ચોખવટ નહોતી થઈ એટલી બધી મોક્ષમાર્ગની ચોખવટ કરી છે. નાનાં નાનાં બાળકો પણ સમજી શકે એવી ભાષામાં મોક્ષમાર્ગને ખુલ્લો કર્યો છે. અદ્ભુત પ્રતાપ છે. અત્યારે તો લાભ લેવાનો કાળ છે. ૩૪૬.
મારે કાંઈ જોઈતું નથી, એક શાન્તિ જોઈએ છે, ક્યાંય શાન્તિ દેખાતી નથી. વિભાવમાં તો આકુળતા જ છે. અશુભથી કંટાળીને શુભમાં અને શુભથી થાકીને અશુભમાં — એમ અનંત અનંત કાળ વીતી ગયો. હવે તો મારે બસ એક શાશ્વતી શાન્તિ જોઈએ છે. — આમ