બહેનશ્રીનાં વચનામૃત
૧૧૯
રહેતા, લોકો જેમને ભગવાન કહીને આદરતા — એવા
ઉત્કૃષ્ટ પુણ્યના ધણી બધી બાહ્ય ૠદ્ધિને છોડી, ઉપસર્ગ-
પરિષહોની દરકાર કર્યા વિના, આત્માનું ધ્યાન કરવા
વનમાં ચાલી નીકળ્યા, તો તેમને આત્મા સર્વથી
મહિમાવંત, સર્વથી વિશેષ આશ્ચર્યકારી લાગ્યો હશે અને
બહારનું બધું તુચ્છ લાગ્યું હશે ત્યારે જ ચાલી નીકળ્યા
હશે ને? માટે, હે જીવ! તું આવા આશ્ચર્યકારી
આત્માનો મહિમા લાવી, તારા પોતાથી તેની ઓળખાણ
કરી, તેની પ્રાપ્તિનો પુરુષાર્થ કર. તું સ્થિરતા-અપેક્ષાએ
બધું બહારનું ન છોડી શકે તો શ્રદ્ધા-અપેક્ષાએ તો છોડ!
છોડવાથી તારું કાંઈ ચાલ્યું નહિ જાય, ઊલટાનો પરમ
પદાર્થ — આત્મા — પ્રાપ્ત થશે. ૩૪૯.
✽
જીવોને જ્ઞાન ને ક્રિયાના સ્વરૂપની ખબર નથી
અને ‘પોતે જ્ઞાન તેમ જ ક્રિયા બંને કરે છે’ એમ ભ્રમણા
સેવે છે. બાહ્ય જ્ઞાનને, ભંગભેદનાં પલાખાંને, ધારણા-
જ્ઞાનને તેઓ ‘જ્ઞાન’ માને છે અને પરદ્રવ્યનાં ગ્રહણ-
ત્યાગને, શરીરાદિની ક્રિયાને, અથવા બહુ તો શુભભાવને,
તેઓ ‘ક્રિયા’ કલ્પે છે. ‘મને આટલું આવડે છે, હું
આવી આકરી ક્રિયાઓ કરું છું’ એમ તેઓ ખોટી
હૂંફમાં રહે છે.