લાગ્યો હોય, તેના માટે ગુરુદેવની વાણીનો ધોધ વહી રહ્યો છે જેમાંથી માર્ગ સૂઝે છે. ખરું તો, અંદરથી થાક લાગે તો, જ્ઞાની દ્વારા કંઈક દિશા સૂઝ્યા પછી અંદરમાં ને અંદરમાં પ્રયત્ન કરતાં આત્મા મળી જાય છે. ૩૫૧.
‘દ્રવ્યે પરિપૂર્ણ મહાપ્રભુ છું, ભગવાન છું, કૃતકૃત્ય છું’ એમ માનતા હોવા છતાં ‘પર્યાયે તો હું પામર છું’ એમ મહામુનિઓ પણ જાણે છે.
ગણધરદેવ પણ કહે છે કે ‘હે જિનેંદ્ર! હું આપના જ્ઞાનને પહોંચી શકતો નથી. આપના એક સમયના જ્ઞાનમાં સમસ્ત લોકાલોક અને પોતાની પણ અનંત પર્યાયો જણાય છે. ક્યાં આપનું અનંત અનંત દ્રવ્ય- પર્યાયોને જાણતું અગાધ જ્ઞાન ને ક્યાં મારું અલ્પ જ્ઞાન! આપ અનુપમ આનંદરૂપે પણ સંપૂર્ણપણે પરિણમી ગયા છો. ક્યાં આપનો પૂર્ણ આનંદ અને ક્યાં મારો અલ્પ આનંદ! એ જ રીતે અનંત ગુણોની પૂરી પર્યાયરૂપે આપ સંપૂર્ણપણે પરિણમી ગયા છો. આપનો શો મહિમા થાય? આપને તો જેવું દ્રવ્ય તેવી જ એક સમયની પર્યાય પરિણમી ગઈ છે; મારી પર્યાય તો અનંતમા ભાગે છે’.