૧૩૪
બધાં તાળાંની ચાવી એક — ‘જ્ઞાયકનો અભ્યાસ કરવો’. આનાથી બધાં તાળાં ખૂલી જશે. જેને સંસારકારાગૃહમાંથી છૂટવું હોય, મુક્તિપુરીમાં જવું હોય, તેણે મોહરાગદ્વેષરૂપ તાળાં ખોલવા માટે જ્ઞાયકનો અભ્યાસ કરવારૂપ એક જ ચાવી લગાડવી. ૩૭૩.
શુભ રાગની રુચિ તે પણ ભવની રુચિ છે, મોક્ષની રુચિ નથી. જે મંદ કષાયમાં સંતોષાય છે, તે અકષાયસ્વભાવ જ્ઞાયકને જાણતો નથી તેમ જ પામતો નથી. ગુરુદેવ પોકારી પોકારીને કહે છે કે જ્ઞાયકનો આશ્રય કરી શુદ્ધ પરિણતિ પ્રગટ કર; તે જ એક પદ છે, બાકી બધું અપદ છે. ૩૭૪.
આ ચૈતન્યતત્ત્વને ઓળખવું. ચૈતન્યને ઓળખવાનો અભ્યાસ કરવો, ભેદજ્ઞાનનો અભ્યાસ કરવો — એ જ કરવાનું છે. એ અભ્યાસ કરતાં કરતાં આત્માની રાગાદિથી ભિન્નતા ભાસે તો આત્માનું સ્વરૂપ પ્રાપ્ત થાય. આત્મા ચૈતન્યતત્ત્વ છે, જ્ઞાયકસ્વરૂપ છે — એને ઓળખવો. જીવને એવો ભ્રમ છે કે પરદ્રવ્યનું હું કરી શકું છું. પણ પોતે પરપદાર્થમાં કાંઈ કરી શકતો નથી. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. પોતે જાણનારો છે, જ્ઞાયક છે.