બહેનશ્રીનાં વચનામૃત
૧૪૩
જિજ્ઞાસાથી સાંભળી, વિચાર કરી, જો આત્માની નક્કર
ભૂમિ જે આત્મ-અસ્તિત્વ તેને ખ્યાલમાં લઈ નિજ
સ્વરૂપમાં લીનતા કરવામાં આવે તો આત્મા ઓળખાય
— આત્માની પ્રાપ્તિ થાય. તે સિવાય બહારથી જેટલાં
ફાંફાં મારવામાં આવે તે ફોતરાં ખાંડ્યા બરાબર
છે. ૩૮૫.
❀
બહારની ક્રિયાઓ માર્ગ દેખાડતી નથી, જ્ઞાન
માર્ગ દેખાડે છે. મોક્ષના માર્ગની શરૂઆત સાચી
સમજણથી થાય છે, ક્રિયાથી નહિ. માટે પ્રત્યક્ષ
ગુરુનો ઉપદેશ અને પરમાગમનું પ્રયોજનભૂત જ્ઞાન
માર્ગપ્રાપ્તિનાં પ્રબળ નિમિત્ત છે. ચૈતન્યને સ્પર્શીને
નીકળતી વાણી મુમુક્ષુને હૃદયમાં ઊતરી જાય છે.
આત્મસ્પર્શી વાણી આવતી હોય અને એકદમ
રુચિપૂર્વક જીવ સાંભળે તો સમ્યક્ત્વની નજીક થઈ
જાય છે. ૩૮૬.
✽
આત્મા ઉત્કૃષ્ટ અજાયબઘર છે. તેમાં અનંત
ગુણરૂપ અલૌકિક અજાયબીઓ ભરી છે. જોવા જેવું
બધુંય, આશ્ચર્યકારી એવું બધુંય, તારા નિજ
અજાયબઘરમાં જ છે, બહારમાં કાંઈ જ નથી. તું તેનું