૧૫૨
તરફ ઢળી રહ્યું છે. જ્ઞાની નિજ સ્વરૂપમાં પરિપૂર્ણપણે ઠરી જવા તલસે છે. ‘આ વિભાવભાવ અમારો દેશ નથી. આ પરદેશમાં અમે ક્યાં આવી ચડ્યા? અમને અહીં ગોઠતું નથી. અહીં અમારું કોઈ નથી. જ્યાં જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર, આનંદ, વીર્યાદિ અનંતગુણરૂપ અમારો પરિવાર વસે છે તે અમારો સ્વદેશ છે. અમે હવે તે સ્વરૂપસ્વદેશ તરફ જઈ રહ્યા છીએ. અમારે ત્વરાથી અમારા મૂળ વતનમાં જઈને નિરાંતે વસવું છે જ્યાં બધાં અમારાં છે.’ ૪૦૧.
જે કેવળજ્ઞાનને પ્રાપ્ત કરાવે એવું છેલ્લી પરાકાષ્ઠાનું ધ્યાન તે ઉત્તમ પ્રતિક્રમણ છે. આ મહા મુનિરાજે એવું પ્રતિક્રમણ કર્યું કે દોષ ફરીને કદી ઉત્પન્ન જ ન થયા; છેક શ્રેણિ માંડી દીધી કે જેના પરિણામે વીતરાગતા થઈને કેવળજ્ઞાનનો આખો સાગર ઊછળ્યો! અંતર્મુખતા તો ઘણી વાર થઈ હતી, પણ આ અંતર્મુખતા તો છેલ્લામાં છેલ્લી કોટિની! આત્મા સાથે પર્યાય એવી જોડાઈ ગઈ કે ઉપયોગ અંદર ગયો તે ગયો જ, પાછો કદી બહાર જ ન આવ્યો. જેવો ચૈતન્યપદાર્થને જ્ઞાનમાં જાણ્યો હતો તેવો જ તેને પર્યાયમાં પ્રસિદ્ધ કરી લીધો. ૪૦૨.