૧૫૮
ભલે નવ પૂર્વ ભણી ગયો હોય તોપણ તેણે આત્માનું મૂળ દ્રવ્યસામાન્યસ્વરૂપ અનુભવપૂર્વક જાણ્યું નહિ હોવાથી તે બધું અજ્ઞાન છે.
સાચા ભાવમુનિને તો શુદ્ધાત્મદ્રવ્યાશ્રિત મુનિયોગ્ય ઉગ્ર શુદ્ધપરિણતિ ચાલુ હોય છે, કર્તાપણું તો સમ્યગ્દર્શન થતાં જ છૂટી ગયું હોય છે, ઉગ્ર જ્ઞાતૃત્વધારા અતૂટ વર્તતી હોય છે, પરમ સમાધિ પરિણમી હોય છે. તેઓ શીઘ્ર શીઘ્ર નિજાત્મામાં લીન થઈ આનંદને વેદતા હોય છે. તેમને પ્રચુર સ્વસંવેદન હોય છે. તે દશા અદ્ભુત છે, જગતથી ન્યારી છે. પૂર્ણ વીતરાગતા નહિ હોવાથી તેમને વ્રત-તપ-શાસ્ત્રરચના વગેરેના શુભ ભાવો આવે છે ખરા, પણ તે હેયબુદ્ધિએ આવે છે. આવી પવિત્ર મુનિદશા મુક્તિનું કારણ છે. ૪૧૦.
અનંત કાળથી જીવ ભ્રાન્તિને લીધે પરનાં કાર્ય કરવા મથે છે, પણ પર પદાર્થનાં કાર્ય તે બિલકુલ કરી શકતો નથી. દરેક દ્રવ્ય સ્વતંત્રપણે પરિણમે છે. જીવનાં કર્તા- ક્રિયા-કર્મ જીવમાં છે, પુદ્ગલનાં પુદ્ગલમાં છે. વર્ણ-ગંધ- રસ-સ્પર્શાદિરૂપે પુદ્ગલ પરિણમે છે, જીવ તેમને ફેરવી શકતો નથી. ચેતનના ભાવરૂપે ચેતન પરિણમે છે, જડ પદાર્થો તેમાં કાંઈ કરી શકતા નથી.