આવી શ્રાવણની બીજલડી
[રાગઃ — રૂપલા રાતલડીમાં]
આવી શ્રાવણની બીજલડી આનંદદાયિની હો બેન,
— સુમંગલમાલિની હો બેન!
જન્મ્યાં કુંવરી માતા-‘તેજ’-ઘરે મહા પાવની હો બેન,
— પરમ કલ્યાણિની હો બેન!
ઊતરી શીતળતાની દેવી શશી મુખ ધારતી હો બેન,
— નયનયુગ ઠારતી હો બેન!
નિર્મળ આંખલડી સૂક્ષમ-સુમતિ-પ્રતિભાસિની હો બેન,
— અચલ – તેજસ્વિની હો બેન!
(સાખી)
માતાની બહુ લાડિલી, પિતાની કાળજ-કોર;
બંધુની પ્રિય બ્હેનડી, જાણે ચંદ્ર-ચકોર.
બ્હેની બોલે ઓછું, બોલાવ્યે મુખ મલકતી હો બેન,
— કદીક ફૂલ વેરતી હો બેન!
સરલા, ચિત્તઉદારા, ગુણમાળા ઉર ધારિણી હો બેન,
— સદા સુવિચારિણી હો બેન!...આવી૦
(સાખી)
વૈરાગી અંતર્મુખી, મંથન પારાવાર;
જ્ઞાતાનું તલ સ્પર્શીને, કર્યો સફળ અવતાર.
જ્ઞાયક-અનુલગ્ના, શ્રુતદિવ્યા, શુદ્ધિવિકાસિની હો બેન,
— પરમપદસાધિની હો બેન!
સંગવિમુખ, એકલ નિજ-નંદનવન-સુવિહારિણી હો બેન,
— સુધા-આસ્વાદિની હો બેન!....આવી૦
[ ૧૮૩ ]