દ્રષ્ટિ દ્રવ્ય ઉપર રાખવાની છે. વિકલ્પો આવે પણ દ્રષ્ટિ એક દ્રવ્ય ઉપર છે. જેમ પતંગ આકાશમાં ઊડે પણ દોર હાથમાં હોય છે, તેમ ‘ચૈતન્ય છું’ એ દોર હાથમાં રાખવો. વિકલ્પો આવે, પણ ચૈતન્યતત્ત્વ તે હું છું — એવો વારંવાર અભ્યાસ કરવાથી દ્રઢતા થાય. ૧૮.
જ્ઞાનીને અભિપ્રાયમાં રાગ છે તે ઝેર છે, કાળો સર્પ છે. હજુ આસક્તિને લઈને જ્ઞાની બહાર થોડા ઊભા છે, રાગ છે, પણ અભિપ્રાયમાં કાળો સર્પ લાગે છે. જ્ઞાનીઓ વિભાવની વચ્ચે ઊભા હોવા છતાં વિભાવથી જુદા છે, ન્યારા છે. ૧૯.
મારે કાંઈ જોઈતું જ નથી, કોઈ પર પદાર્થની લાલસા નથી, આત્મા જ જોઈએ — એવી જેને તીખી તમન્ના લાગે તેને માર્ગ મળ્યે જ છૂટકો છે. અંદરમાં ચૈતન્યૠદ્ધિ છે તે ૠદ્ધિ સંબંધી વિકલ્પમાં પણ તે રોકાતો નથી. એવો નિસ્પૃહ થઈ જાય છે કે મારે મારું અસ્તિત્વ જ જોઈએ છે. — આવી અંદર જવાની તીખી તમન્ના લાગે, તો આત્મા પ્રગટ થાય, પ્રાપ્ત થાય. ૨૦.