૮
ચૈતન્યને ચૈતન્યમાંથી પરિણમેલી ભાવના એટલે કે રાગ-દ્વેષમાંથી નહિ ઊગેલી ભાવના — એવી યથાર્થ ભાવના હોય તો તે ભાવના ફળ્યે જ છૂટકો. જો ન ફળે તો જગતને — ચૌદ બ્રહ્માંડને શૂન્ય થવું પડે, અગર તો આ દ્રવ્યનો નાશ થઈ જાય. પરંતુ એમ બને જ નહિ. ચૈતન્યના પરિણામની સાથે કુદરત બંધાયેલી છે — એવો જ વસ્તુનો સ્વભાવ છે. આ, અનંતા તીર્થંકરોએ કહેલી વાત છે. ૨૧.
ગુરુદેવને તીર્થંકર જેવો ઉદય વર્તે છે. વાણીનો પ્રભાવ એવો છે કે હજારો જીવો સમજી જાય છે. તીર્થંકરની વાણી જેવો જોગ છે. વાણી જોરદાર છે. ગમે તેટલી વાર સાંભળીએ તોપણ કંટાળો ન આવે. પોતે જ એટલા રસકસથી બોલે છે કે જેથી સાંભળનારનો રસ પણ જળવાઈ રહે છે; રસબસતી વાણી છે. ૨૨.
ઉપલક ઉપલક વાંચન-વિચાર આદિથી કાંઈ ન થાય, અંદર આંતરડીમાંથી ભાવના ઊઠે તો માર્ગ સરળ થાય. જ્ઞાયકનો અંતઃસ્થળમાંથી ખૂબ મહિમા આવવો જોઈએ. ૨૩.