૧૦
આજે તો ગવાય છે પરંતુ હજારો વર્ષો સુધી પણ ગવાશે. ૨૭.
ભવિષ્યનું ચિતરામણ કેવું કરવું તે તારા હાથની વાત છે. માટે કહ્યું છે કે, ‘બંધ સમય જીવ ચેતીએ, ઉદય સમય શા ઉચાટ’. ૨૮.
જ્ઞાનને ધીરું કરીને સૂક્ષ્મતાથી અંદર જો તો આત્મા પકડાય એવો છે. એક વાર વિકલ્પની જાળ તોડીને અંદરથી છૂટો પડી જા, પછી જાળ ચોંટશે નહિ. ૨૯.
જેમ બીજ વાવે છે તેમાં પ્રગટરૂપે કાંઈ દેખાતું નથી, છતાં વિશ્વાસ છે કે ‘આ બીજમાંથી વૃક્ષ ફાલશે, તેમાંથી ડાળાં-પાંદડાં-ફળ વગેરે આવશે’, પછી તેનો વિચાર આવતો નથી; તેમ મૂળ શક્તિરૂપ દ્રવ્યને યથાર્થ વિશ્વાસપૂર્વક ગ્રહણ કરવાથી નિર્મળ પર્યાય પ્રગટ થાય છે; દ્રવ્યમાં પ્રગટરૂપે કાંઈ દેખાતું નથી તેથી વિશ્વાસ વિના ‘શું પ્રગટશે’ એમ થાય, પણ દ્રવ્યસ્વભાવનો વિશ્વાસ કરવાથી નિર્મળતા પ્રગટવા લાગે છે. ૩૦.