૧૬
બહેનશ્રીનાં વચનામૃત
જ કરે છે, તેમ જેને આત્માનો પ્રેમ હોય તે ભલે શુભમાં
ઉલ્લાસથી ભાગ લેતો હોય છતાં અંદરમાં ખટક તો
આત્માની જ હોય. ‘બા’ના પ્રેમવાળો ભલે કુટુંબ-
કબીલાના ટોળામાં બેઠો હોય, આનંદ કરતો હોય, પણ
મન તો ‘બા’માં જ રહ્યું હોય છેઃ ‘અરે! મારી બા
...મારી બા!’; એવી જ રીતે આત્માની ખટક રહેવી
જોઈએ. ગમે તે પ્રસંગમાં ‘મારો આત્મા...મારો આત્મા!’
એ જ ખટક ને રુચિ રહેવી જોઈએ. એવી ખટક રહ્યા
કરે તો ‘આત્મ – બા’ મળ્યા વગર રહે જ નહિ. ૪૪.
✽
અંતરનાં તળિયાં તપાસીને આત્માને ઓળખ. શુભ
પરિણામ, ધારણા વગેરેનો થોડો પુરુષાર્થ કરી ‘મેં ઘણું
જ કર્યું છે’ એમ માની, જીવ આગળ વધવાને બદલે
અટકી જાય છે. અજ્ઞાનીને જરાક કાંઈક આવડે,
ધારણાથી યાદ રહે, ત્યાં તેને અભિમાન થઈ જાય છે;
કારણ કે વસ્તુના અગાધ સ્વરૂપનો તેને ખ્યાલ જ નથી;
તેથી તે બુદ્ધિના ઉઘાડ આદિમાં સંતોષાઈ, અટકી જાય
છે. જ્ઞાનીને પૂર્ણતાનું લક્ષ હોવાથી તે અંશમાં અટકતો
નથી. પૂર્ણ પર્યાય પ્રગટ થાય તોપણ સ્વભાવ હતો તે
પ્રગટ્યો તેમાં નવીન શું? તેથી જ્ઞાનીને અભિમાન થતું
નથી. ૪૫.
✽