‘મારે પરની ચિંતાનું શું પ્રયોજન? મારો આત્મા સદાય એકલો છે’ એમ જ્ઞાની જાણે છે. ભૂમિકાનુસાર શુભ ભાવો આવે પણ અંદર એકલાપણાની પ્રતીતિરૂપ પરિણતિ નિરંતર બની રહે છે. ૮૭.
લેપ વગરનો હું ચૈતન્યદેવ છું. ચૈતન્યને જન્મ નથી, મરણ નથી. ચૈતન્ય તો સદા ચૈતન્ય જ છે. નવું તત્ત્વ પ્રગટે તો જન્મ કહેવાય. ચૈતન્ય તો દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી ગમે તેવા ઉદયમાં સદા નિર્લેપ — અલિપ્ત જ છે. પછી ચિંતા શાની? મૂળ તત્ત્વમાં તો કાંઈ પ્રવેશી શકતું જ નથી. ૮૮.
મુનિરાજને એકદમ સ્વરૂપરમણતા જાગૃત છે. સ્વરૂપ કેવું છે? જ્ઞાન, આનંદ આદિ ગુણોથી રચાયેલું છે. પર્યાયમાં સમતાભાવ પ્રગટ છે. શત્રુ-મિત્રના વિકલ્પ રહિત છે; નિર્માનતા છે; ‘દેહ જાય પણ માયા થાય ન રોમમાં’; સોનું હો કે તણખલું — બેય સરખાં છે. ગમે તેવા સંયોગ હોય — અનુકૂળતામાં ખેંચાતા નથી, પ્રતિકૂળતામાં ખેદાતા નથી. જેમ જેમ આગળ વધે તેમ તેમ સમરસભાવ વધારે પ્રગટ થતો જાય છે. ૮૯.