૩૪
આ તો પંખીના મેળા જેવું છે. ભેગાં થયેલાં બધાં છૂટાં પડી જશે. આત્મા એક શાશ્વત છે, બીજું બધું અધ્રુવ છે; વિંખાઈ જશે. મનુષ્યજીવનમાં આત્માનું કલ્યાણ કરી લેવા જેવું છે. ૯૯.
‘હું અનાદિ-અનંત મુક્ત છું’ એમ શુદ્ધ આત્મદ્રવ્ય પર દ્રષ્ટિ દેતાં શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે. ‘દ્રવ્ય તો મુક્ત છે, મુક્તિની પર્યાયને આવવું હોય તો આવે’ એમ દ્રવ્ય પ્રત્યે આલંબન અને પર્યાય પ્રત્યે ઉપેક્ષાવૃત્તિ થતાં સ્વાભાવિક શુદ્ધ પર્યાય પ્રગટે જ છે. ૧૦૦.
સમ્યગ્દ્રષ્ટિને એવો નિઃશંક ગુણ હોય છે કે ચૌદ બ્રહ્માંડ ફરી જાય તોય અનુભવમાં શંકા થતી નથી. ૧૦૧.
આત્મા સર્વોત્કૃષ્ટ છે, આશ્ચર્યકારી છે. જગતમાં તેનાથી ઊંચી વસ્તુ નથી. એને કોઈ લઈ જઈ શકતું નથી. જે છૂટી જાય છે તે તો તુચ્છ વસ્તુ છે; તેને છોડતાં તને ડર કેમ લાગે? ૧૦૨.