બહેનશ્રીનાં વચનામૃત
૩૭
સહજ તત્ત્વ અખંડિત છે. ગમે તેટલો કાળ ગયો,
ગમે તેટલા વિભાવ થયા, તોપણ પરમ પારિણામિક ભાવ
એવો ને એવો અખંડ રહ્યો છે; કોઈ ગુણ અંશે પણ
ખંડિત થયો નથી. ૧૧૨.
✽
મુનિ અંતર્મુહૂર્તે અંતર્મુહૂર્તે સ્વભાવમાં ડૂબકી મારે છે.
અંદર વસવાટ માટે મહેલ મળી ગયો છે, તેની બહાર
આવવું ગમતું નથી. કોઈ પ્રકારનો બોજો મુનિ લેતા
નથી. અંદર જાય તો અનુભૂતિ અને બહાર આવે તો
તત્ત્વચિંતન વગેરે. સાધકદશા એટલી વધી ગઈ છે કે
દ્રવ્યે તો કૃતકૃત્ય છે જ પરંતુ પર્યાયમાં પણ ઘણા કૃતકૃત્ય
થઈ ગયા છે. ૧૧૩.
✽
જેને ભગવાનનો પ્રેમ હોય તે ભગવાનને જોયા
કરે તેમ ચૈતન્યદેવનો પ્રેમી ચૈતન્ય ચૈતન્ય જ કર્યા
કરે. ૧૧૪.
✽
ગુણભેદ પર દ્રષ્ટિ કરતાં વિકલ્પ જ ઉત્પન્ન થાય છે,
નિર્વિકલ્પતા — સમરસતા થતી નથી. એક ચૈતન્યને
સામાન્યપણે ગ્રહણ કર; તેમાં મુક્તિનો માર્ગ પ્રગટ થશે.