બહેનશ્રીનાં વચનામૃત
૩૯
પંચ પરમેષ્ઠીનું ધ્યાન કરે, પણ મૂળ તળમાંથી શાન્તિ
આવવી જોઈએ તે આવતી નથી. અનેક ફળફૂલથી
મનોહર વૃક્ષ સમાન અનંતગુણનિધિ આત્મા અદ્ભુત છે,
તેના આશ્રયે રમતાં સાચી શાન્તિ પ્રગટે છે. ૧૨૦.
✽
આચાર્યદેવ કરુણા કરી જીવને જગાડે છેઃ — જાગ
રે! ભાઈ, જાગ. તને ઊંઘમાં દિશા સૂઝતી નથી. તું તારી
ભૂલથી જ રખડ્યો છે. તું સ્વતંત્ર દ્રવ્ય છો; ભૂલમાં પણ
સ્વતંત્ર છો. તું રખડપટ્ટી વખતે પણ શુદ્ધ પદાર્થ રહ્યો છે.
આ કોઈ મહિમાવંત વસ્તુ તને બતાવીએ છીએ. તું અંદર
ઊંડો ઊતરીને જો, અસલી તત્ત્વને ઓળખ. તારું દુઃખ
ટળશે, તું પરમ સુખી થઈશ. ૧૨૧.
✽
તું આત્મામાં જા તો તારું અથડાવું મટી જશે. જેને
આત્મામાં જવું છે તે આત્માનો આધાર લે. ૧૨૨.
✽
ચૈતન્યરૂપી આકાશની રમ્યતા સદાકાળ જયવંત છે.
જગતના આકાશમાં ચંદ્રમા અને તારામંડળની રમ્યતા
હોય છે, ચૈતન્ય-આકાશમાં અનેક ગુણોની રમ્યતા છે. તે
રમ્યતા કોઈ જુદા જ પ્રકારની છે. સ્વસંવેદનપ્રત્યક્ષ જ્ઞાન