આવે તો ઉપદેશ આપે, પણ વિકલ્પની જાળ ચાલતી નથી. ૧૮૮.
તારો દ્રષ્ટિનો દોર ચૈતન્ય ઉપર બાંધી દે. પતંગ આકાશમાં ઉડાડે પણ દોર હાથમાં હોય, તેમ દ્રષ્ટિનો દોર ચૈતન્યમાં બાંધી દે, પછી ભલે ઉપયોગ બહાર જતો હોય. અનાદિ-અનંત અદ્ભુત આત્માને — પરમ પારિણામિક ભાવરૂપ અખંડ એક ભાવને — અવલંબ. પરિપૂર્ણ આત્માનો આશ્રય કર તો પૂર્ણતા આવશે. ગુરુની વાણી પ્રબળ નિમિત્ત છે પણ સમજીને આશ્રય કરવાનો તો પોતાને જ છે. ૧૮૯.
મેં અનાદિ કાળથી બધું બહાર-બહારનું ગ્રહણ કર્યું — બહારનું જ્ઞાન કર્યું, બહારનું ધ્યાન કર્યું, બહારનું મુનિપણું લીધું, અને માની લીધું કે મેં ઘણું કર્યું. શુભભાવ કર્યા પણ દ્રષ્ટિ પર્યાય ઉપર હતી. અગાધ શક્તિવાળો જે ચૈતન્યચક્રવર્તી તેને ન ઓળખ્યો, ન ગ્રહણ કર્યો. સામાન્યસ્વરૂપને ગ્રહણ કર્યું નહિ, વિશેષને ગ્રહ્યું. ૧૯૦.
દ્રષ્ટિનો દોર હાથમાં રાખ. સામાન્ય સ્વરૂપને ગ્રહણ