૬૬
ચારિત્ર ને કેવળજ્ઞાન — બધું પ્રગટ થશે.
નમૂનામાં પૂરા માલનો ખ્યાલ આવે. ચંદ્રની બીજની કળામાં આખો ચંદ્રમા ખ્યાલમાં આવે. ગોળની એક કણીમાં આખા રવાનો ખ્યાલ આવે. ત્યાં (દ્રષ્ટાંતમાં) તો જુદાં જુદાં દ્રવ્ય ને આ તો એક જ દ્રવ્ય. માટે સમકિતમાં ચૌદ બ્રહ્માંડના ભાવો આવી ગયા. એ જ માર્ગે કેવળ. જેમ અંશ પ્રગટ્યો તેમ જ પૂર્ણતા પ્રગટશે. માટે શુદ્ધનયની અનુભૂતિ એટલે કે શુદ્ધ આત્માની અનુભૂતિ તે સંપૂર્ણ જિનશાસનની અનુભૂતિ છે. ૨૦૦.
અપરિણામી નિજ આત્માનો આશ્રય લેવાનું કહેવામાં આવે છે ત્યાં અપરિણામી એટલે આખો જ્ઞાયક; શાસ્ત્રમાં નિશ્ચયનયના વિષયભૂત જે અખંડ જ્ઞાયક કહ્યો છે તે જ આ ‘અપરિણામી’ નિજાત્મા.
પ્રમાણ-અપેક્ષાએ આત્મદ્રવ્ય માત્ર અપરિણામી જ નથી, અપરિણામી તેમ જ પરિણામી છે. પણ અપરિણામી તત્ત્વ પર દ્રષ્ટિ દેતાં પરિણામ ગૌણ થઈ જાય છે; પરિણામ ક્યાંય ચાલ્યા જતા નથી. પરિણામ ક્યાં જતા રહે? પરિણમન તો પર્યાયસ્વભાવને લીધે થયા જ કરે છે, સિદ્ધમાં પણ પરિણતિ તો હોય છે.