૭૦
બધું કરે છે પણ દ્રષ્ટિ તો અભેદ ઉપર જ છે. જ્ઞાન બધું કરે પણ દ્રષ્ટિનું જોર એટલું છે કે પોતાને પોતા તરફ ખેંચે છે. ૨૦૬.
હે જીવ! અનંત કાળમાં શુદ્ધોપયોગ ન કર્યો તેથી તારો કર્મરાશિ ક્ષય થયો નહિ. તું જ્ઞાયકમાં ઠરી જા તો એક શ્વાસોચ્છ્વાસમાં તારાં કર્મો ક્ષય થઈ જશે. તું ભલે એક છો પણ તારી શક્તિ અનંતી છે. તું એક અને કર્મ અનંત; પણ તું એક જ અનંતી શક્તિવાળો બધાંને પહોંચી વળવા બસ છો. તું ઊંઘે છે માટે બધાં આવે છે, તું જાગ તો બધાં એની મેળે ભાગી જશે. ૨૦૭.
બાહ્ય દ્રષ્ટિથી કાંઈ અંતર્દ્રષ્ટિ પ્રગટ થતી નથી. આત્મા બહાર નથી; આત્મા તો અંદરમાં જ છે. માટે તારે બીજે ક્યાંય જવું નહિ, પરિણામને ક્યાંય ભટકવા દેવા નહિ; તેને એક આત્મામાં જ વારંવાર લગાડ; વારંવાર ત્યાં જ જવું, એને જ ગ્રહણ કરવો. આત્માના જ શરણે જવું. મોટાના આશ્રયે જ બધું પ્રગટ થાય છે. અગાધ શક્તિવાળા ચૈતન્યચક્રવર્તીને ગ્રહણ કર. આ એકને જ ગ્રહણ કર. ઉપયોગ બહાર જાય પણ ચૈતન્યનું આલંબન એને અંદરમાં જ લાવે છે. વારંવાર...વારંવાર