લોકાગ્રે વિચરનારો લૌકિક જનોનો સંગ કરીશ તો તારી પરિણતિ પલટી જવાનું કારણ થશે. જેમ જંગલમાં સિંહ નિર્ભયપણે વિચરે તેમ તું લોકથી નિરપેક્ષપણે તારા પરાક્રમથી — પુરુષાર્થથી અંદર વિચરજે. ૨૧૨.
લોકોના ભયને ત્યાગી, ઢીલાશ છોડી, પોતે દ્રઢ પુરુષાર્થ કરવો. ‘લોક શું કહેશે’ એમ જોવાથી ચૈતન્યલોકમાં જઈ શકાતું નથી. સાધકને એક શુદ્ધ આત્માનો જ સંબંધ હોય છે. નિર્ભયપણે ઉગ્ર પુરુષાર્થ કરવો, બસ! તે જ લોકાગ્રે જનાર સાધક વિચારે છે. ૨૧૩.
સદ્ગુરુના ઉપદેશરૂપ નિમિત્તમાં (નિમિત્તપણાની) પૂર્ણ શક્તિ છે પણ તું તૈયાર ન થાય તો — તું આત્મદર્શન પ્રગટ ન કર તો — ?? અનંત અનંત કાળમાં ઘણા સંયોગ મળ્યા પણ તેં અંતરમાં ડૂબકી મારી નહિ! તું એકલો જ છો; સુખદુઃખ ભોગવનાર, સ્વર્ગ કે નરકમાં ગમન કરનાર કેવળ તું એકલો જ છો.