અધ્યાત્મ-અમૃતસરિતા ૧૪૧
________________________________________________________
પ્રશસ્ત કે અપ્રશસ્ત સર્વ પરિણતિ ઉપાધિસ્વરૂપ છે.
સર્વના સાક્ષીરૂપ વેદનપરિણતિ તે સમાધિરૂપ છે તથા
સ્વરૂપસ્થિરતા તે સમાધિરૂપ છે.
પ્રતીતિરૂપ એવી જ્ઞાતાની જ્ઞાતારૂપ વેદનપરિણતિમાં
સ્થિરતાને વધારતો વધારતો સાધક સાધ્યરૂપે પૂરો થાય છે,
પર્યાયની પૂર્ણ નિર્મળતા થાય છે. દ્રવ્ય તો અનાદિ-અનંત
પરિપૂર્ણ શુદ્ધતાથી ભરપૂર છે. શુદ્ધાત્મામાં સ્વરૂપરમણતા વધતાં
વધતાં આત્મ-ઉપયોગ પરલક્ષથી સર્વથા છૂટીને પોતાના કૃતકૃત્ય
સ્વરૂપને વ્યક્ત કરે છે, સ્વરૂપમાં આવીને, તેની સાથે એકમેક
થઈને, સર્વાંશે જોડાઈ જાય છે.
આવા અદ્ભુત સ્વરૂપને પ્રાપ્ત એવા શ્રી વીતરાગદેવને ને
તે વીતરાગ સ્વરૂપને વારંવાર નમસ્કાર છે. - ૧૯૯૪
*
સ્વરૂપપરિણતિમાં યથાશક્તિ સ્વરૂપસ્થિતિ થયા કરે છે.
પ્રશસ્ત યોગમાં વાંચન-વિચાર યથાશક્તિ, જે પ્રકારે વીર્યપરિણતિ
ઊપડે છે તે પ્રકારે, થયા કરે છે.
જ્ઞાનપર્યાય સંપૂર્ણ પ્રગટ થઈને, પુરુષાર્થ દ્વારા એકલી
સ્વ-આશ્રયરૂપે ને સાવ સહજ પરિણમશે ત્યારે ધન્ય થશે.
જ્ઞાયકની જ્ઞાતારૂપે ‘અડોલ’ પરિણતિ વધતાં વધતાં
સર્વાંશે સૂક્ષ્મ અડોલતા પ્રાપ્ત થશે તે દિવસ ધન્ય થશે.