જાતિસ્મરણજ્ઞાન ૬૩
________________________________________________________
શ્રી સીમંધર ભગવાન દ્રવ્ય-ગુણ-પર્યાયનું સ્વરૂપ કહેતા
હતા; તેમની વાણી અનંત અનંત રહસ્યોથી ભરેલી હતી, તેમ
સ્મરણ આવ્યા કરે છે; તીર્થંકર અને ગણધર પણાની વાતનું
વારંવાર સ્મરણ આવ્યા કરે છે. આ રાજકુમાર ભવિષ્યે
ધાતકીખંડ દ્વીપના વિદેહક્ષેત્રમાં શ્રી સૂર્યકીર્તિસ્વામી તથા શ્રી
સર્વાંગસ્વામી નામના તીર્થંકર થશે, આ દેવાભાઈ તેમના
દેવેન્દ્રકીર્તિ નામે ગણધર તથા તેમના પુત્ર થવાના છે.
(દેવેન્દ્રકીર્તિ કુમારનું આ નામ સહિત બીજું પણ નામ હોય તેમ
ખ્યાલમાં આવે છે.) આ લાભભાઈ તેમના બીજા ચંદ્રકીર્તિ નામે
ગણધર તથા પુત્ર થવાના છે, તે બધી વાતનું વારંવાર સ્પષ્ટપણે
સ્મરણ આવ્યા કરે છે.
મહાવિદેહક્ષેત્રનાં જિનમંદિરો મોટાં મોટાં ભવ્ય હતાં તેમ
સ્મરણ આવે છે. કોઈ જુદી જાતનાં રત્નો મંદિરની ભીંતોમાં
હતાં, તે રત્નોનો પ્રકાશ એવો હતો કે આખું મંદિર પ્રકાશથી
છવાઈ રહ્યું હતુંઃ ભગવાનનાં પ્રતિમાજી રત્નોનાં, પ્રકાશવાન,
અદ્ભુત હતાં. આપણે બધા જિનમંદિરે દર્શન કરવા જતા હતા
એમ સ્મરણ આવે છે. ભગવાનના પ્રતિમાજી વિષે આટલું
સ્મરણમાં આવે છે. આથી વિશેષ વર્ણન થાય એવી રીતે
સ્મરણમાં આવતું નથી. (આ જીવે પૂર્વે દેવાભાઈના ભવમાં
જોયેલું હોય તે યાદ આવે છે.)
જ્ઞાનસાગર ગુરુદેવના કૃપામય ઉપકારને
વારંવાર પરમ ભક્તિથી
નમસ્કાર.
**