૪ ]
ચિદ્દવિલાસ
અહીં કોઈ પ્રશ્ન કરે છેઃ હે પ્રભો! ‘ગુણ-પર્યાયનો પુંજ દ્રવ્ય
છે,’ – એમ કહેતાં તેમાં ગુણના લક્ષણ વડે તો ગુણને જાણ્યા ને પર્યાયના
લક્ષણવડે પર્યાયને જાણ્યાં દ્રવ્ય તો કોઈ વસ્તુ નથી. આમ કહેતાં તો,
તે દ્રવ્ય, જેમ ‘આકાશનું ફૂલ’ કહેવા માત્ર જ છે તેમ દ્રવ્યનું સ્વરૂપ
પણ કહેવા માત્ર જ છે ( – એમ ઠરશે); તેનું રૂપ તો ગુણ-પર્યાય છે,
બીજું કાંઈ નથી. માટે ગુણ-પર્યાય જ છે, દ્રવ્ય નહિ?
તેનું સમાધાનઃ જે સ્વભાવ છે તે સ્વભાવીથી ઉત્પન્ન છે;
સ્વભાવી ન હોય તો સ્વભાવ ન હોય, અગ્નિ ન હોય તો ઉષ્ણ સ્વભાવ
ન હોય, સોનું ન હોય તો પીળાશ – ચીકાશ – વજન સ્વભાવ ન હોય, તેથી
ગુણ-પર્યાય દ્રવ્યના આશ્રયે છે. આ સંબંધમાં તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે કે
‘द्रव्याश्रया निर्गुणा गुणाः१’ દ્રવ્યના આશ્રયે ગુણ છે, ગુણના આશ્રયે ગુણ
નથી. આ સંબંધમાં દ્રષ્ટાંત આપે છેઃ ૨જેમ એક ગોળી વીશ ઔષધિની
બનેલી છે; પરંતુ તે વીશેય ઔષધિ ગોળીને આશ્રયે છે (તેથી) ગોળીને
‘વીશ ઔષધિનો એક રસ’ કહેવાય છે. જો કે વીશેય ઔષધિ જુદા –
જુદા સ્વાદને ધારણ કરે છે તો પણ જો ગોળી-ભાવને ( – ગોળીના
સ્વરૂપને) જોઈએ તો કોઈ ઔષધિનો રસ તે ગોળીથી જુદો નથી, જે
રસ છે તે ગુટિકા ભાવ વિષે રહેલા છે. તે વીશ ઔષધિરસનો એક
પુંજ તે જ ગોળી છે – આમ જો કે કથનમાં ભેદવિકલ્પ જેવું આવે છે
પરંતુ (વસ્તુમાં ભેદ નથી, કેમકે) એક જ સમયમાં વીશ ઔષધિરસનો
ભાવ એક ગોળી છે. તેમ ગુણો પોતપોતાના સ્વભાવને લીધે જુદા જુદા
છે, કોઈ ગુણનો ભાવ બીજા કોઈ ગુણ સાથે મળી જતો નથી, જ્ઞાનનો
ભાવ, દર્શન સાથે ન મળે, દર્શનનો ભાવ જ્ઞાન સાથે ન મળે, એ પ્રમાણે
અનંતગુણો છે તેમાંથી કોઈ ગુણ બીજા કોઈ ગુણ સાથે મળતો નથી.
બધા ગુણોનો એકાંત ભાવ ચેતનાનો પુંજ દ્રવ્ય છે. જો (દ્રવ્ય વગર)
૧. તત્ત્વાર્થસૂત્ર ૫ – ૪૧
૨. આત્માવલોકન પૃ. ૯૬