૫૮ ]
ચિદ્દવિલાસ
અખંડિત પ્રતાપવાળી છે, સ્વતંત્ર શોભાવાળી છે, સ્વરૂપરૂપ બિરાજે છે.
તેમાં દ્રવ્યસત્ત્વ, પર્યાયસત્ત્વ, ગુણસત્ત્વના વિશેષ કહેવા ન પડે તે સામાન્ય
સત્ત્વનું પ્રભુત્વ છે. દ્રવ્યસત્ત્વનું પ્રભુત્વ તો પૂર્વે દ્રવ્યનું વિશેષણ (વર્ણન)
કર્યું તેમાં જાણવું.
સર્વ ગુણસત્ત્વનું પ્રભુત્વ કાંઈક ( – થોડું) કહીએ છીએ – ગુણો
અનંત છે, (તેમાં) એક પ્રદેશત્વ ગુણ છે, તેનું જે સત્ત્વ તેને પ્રદેશસત્વ
કહીએ. એકેક પ્રદેશમાં અનંતગુણ પોતાના મહિમા સહિત બિરાજે છે.
એકેક ગુણમાં અનંત શક્તિ – પ્રતિશક્તિ છે. અનંત મહિમા સહિત એકેક
શક્તિના અનંત પર્યાયો છે, તે સર્વે એકેક પ્રદેશમાં છે. એવા અસંખ્ય
પ્રદેશો પોતાના અખંડિત પ્રભુત્વ સહિત પોતાની પ્રદેશ – સત્તાના આધારે
છે. તેથી પ્રદેશસત્ત્વનું પ્રભુત્વ સર્વે ગુણોના પ્રભુત્વનું કારણ છે.
‘સૂક્ષ્મ’ સત્તાનું પ્રભુત્વ પણ અનંતગુણના પ્રભુત્વનું કારણ છે.
(આત્મામાં જો) સૂક્ષ્મ ગુણ ન હોય તો સર્વે (ગુણો) સ્થૂળ હોય અને
ઇન્દ્રિય-ગ્રાહ્ય હોય. એમ થતાં (તે) પોતાના અનંત મહિમાને ધારે નહિ.
માટે સૂક્ષ્મ (ગુણની) સત્તાના પ્રભુત્વને લીધે સર્વે ગુણો પોતાના અનંત
મહિમા સહિત છે. જ્ઞાનનું સત્ત્વ સૂક્ષ્મ છે તેથી તે ઇન્દ્રિય – ગ્રાહ્ય નથી;
એ પ્રમાણે અનંત ગુણોનું સત્ત્વ સૂક્ષ્મ છે, તેથી (તે) અનંત મહિમા
સહિત છે. માટે અનંતગુણની સત્તાનું પ્રભુત્વ એક સૂક્ષ્મ (ત્વ ગુણની)
સત્તાના પ્રભુત્વથી છે. તેથી એ પ્રમાણે સર્વે ગુણોનું પ્રભુત્વ જુદું જુદું
જાણો. બહુ વિસ્તાર થઈ જાય તેથી અહીં લખ્યું નથી.
પર્યાયનું પ્રભુત્વ
પર્યાયનું પરિણમન – રૂપ, વેદકભાવવડે સ્વરૂપ લાભ – વિશ્રામ –
સ્થિરતારૂપ વસ્તુના સર્વસ્વને વેદીને ( – અનુભવીને) પ્રગટ કરે છે – એવા
અખંડિત પ્રભુત્વને ધારણ કરે છે; તેને પર્યાયનું પ્રભુત્વ કહીએ.
– આ પ્રભુત્વશક્તિને જાણવાથી જીવ પોતાના અનંત પ્રભુત્વને
પામે છે.❑ ❈ ❑