ભવ થાય તેની ગણતરી નથી, કારણ કે ત્રસનો કાળ થોડો છે ને નિગોદનો કાળ અનંત છે. તત્ત્વના અનાદરનું ફળ નિગોદગતિ અને આદરનું ફળ સિદ્ધગતિ છે. ૧૩૨.
પરલક્ષ વિના શુભાશુભ રાગ થઈ શકે નહિ. જેટલા શુભાશુભ રાગ છે તે અશુદ્ધ ભાવ છે. શુભાશુભ ભાવને પોતાનું સ્વરૂપ માનવું, તેને ગુણકર માનવા, કરવા જેવા માનવા, તે નિશ્ચય મિથ્યાત્વ — અગૃહીત મિથ્યાત્વ છે. વિકારને કર્તવ્ય માન્યું તેણે અવિકારી સ્વભાવ માન્યો નહિ. પોતાના સ્વભાવને પૂર્ણ અવિકારીપણે માનવો તે સાચી દ્રષ્ટિ છે. તેના જોર વિના ત્રણ કાળમાં કોઈનું હિત થતું નથી. ૧૩૩.
આત્મા અચિન્ત્ય સામર્થ્યવાળો છે. તેમાં અનંત ગુણસ્વભાવ છે. તેની રુચિ થયા વિના ઉપયોગ પરમાંથી પલટીને સ્વમાં આવી શકતો નથી. પાપભાવોની રુચિમાં જે પડ્યા છે તેમની તો વાત જ શી? પણ પુણ્યની રુચિવાળા બાહ્ય ત્યાગ કરે, તપ કરે, દ્રવ્યલિંગ ધારે તોપણ જ્યાં સુધી શુભની રુચિ છે ત્યાં સુધી ઉપયોગ પર તરફથી પલટીને સ્વમાં આવી શકતો નથી. માટે પહેલાં પરની રુચિ પલટાવવાથી ઉપયોગ પર તરફથી