૮૬
ધર્મ કહેતાં વ્રતાદિના શુભ રાગપરિણામ ધર્મ નથી પણ આસ્રવ છે, કહેવામાત્ર ‘ધર્મ’ છે. — આમ જાણવું તેને ‘ગ્રહણ કરવું’ કહ્યું છે. જ્યાં વ્યવહારનયની મુખ્યતા સહિત વ્યાખ્યાન હોય ત્યાં ‘એમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ ઉપચાર કર્યો છે’ — એમ જાણવું. બન્ને નયોનાં વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણી ભ્રમરૂપ ન પ્રવર્તવું. પં૦ ટોડરમલજીએ મોક્ષમાર્ગ- પ્રકાશકમાં કહ્યું છે ને! —
‘‘પ્રશ્નઃ — જો એમ છે, તો જિનમાર્ગમાં બન્ને નયોને ગ્રહણ કરવાનું કહ્યું છે — એ કેવી રીતે?
ઉત્તરઃ — જિનમાર્ગમાં ક્યાંક તો નિશ્ચયનયની મુખ્યતાથી વ્યાખ્યાન છે, તેને તો ‘સત્યાર્થ આમ જ છે’ એમ જાણવું; તથા ક્યાંક વ્યવહારનયની મુખ્યતાથી વ્યાખ્યાન છે, તેને ‘આમ છે નહિ, નિમિત્તાદિની અપેક્ષાએ ઉપચાર કર્યો છે’ એમ જાણવું. આ પ્રમાણે જાણવાનું નામ જ બન્ને નયોનું ગ્રહણ છે. પરંતુ બન્ને નયોનાં વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણી ‘આમ પણ છે અને આમ પણ છે’ એમ ભ્રમરૂપ પ્રવર્તવા વડે તો બન્ને નયોને ગ્રહણ કરવાનું કહ્યું નથી.’’ ૧૫૨.