આત્મા ત્રિકાળ છે તો તેનો ધર્મ પણ ત્રિકાળ એકરૂપ વર્તે છે. ધર્મનું સ્વરૂપ ત્રણે કાળે એક જ છે. જૈનધર્મ એ વસ્તુસ્વરૂપ છે અર્થાત્ આત્માની સાધનામય શુદ્ધતા તે જૈનધર્મ છે. તેને કાળની મર્યાદામાં કેદ કરી શકાય નહિ; વસ્તુસ્વરૂપનો નિયમ કાળભેદે ફેરવી શકાય નહિ. કોઈ કાળે વસ્તુસ્વરૂપ વિપરીત થતું નથી. જેમ ચેતનવસ્તુ જડ, કે જડવસ્તુ ચેતન થઈ જાય એમ કોઈ કાળે પણ બનતું નથી, તેમ જે વિકારી ભાવ છે તેનાથી ધર્મ થઈ જાય – એમ પણ કોઈ કાળે બનતું નથી. માટે વસ્તુસ્વભાવરૂપ જૈનધર્મને કાળની મર્યાદામાં કેદ કરી શકાતો નથી. ૧૬૨.
સમ્યગ્દ્રષ્ટિને જે અવ્રતાદિ ભાવો છે તે કાંઈ કર્મની બળજોરીથી નથી થયા, પણ આત્માએ પોતે સ્વયં તેને કર્યા છે. વિકાર કરવામાં ને વિકાર ટાળવામાં આત્માની જ પ્રભુતા છે, બંનેમાં આત્મા પોતે સ્વતંત્રપણે કર્તા છે.
જુઓ, ‘રાગાદિરૂપે પરિણમવામાં પણ આત્મા પોતે સ્વતંત્ર પ્રભુ છે’ એમ કહ્યું, તેનો અર્થ એવો નથી કે રાગ ક્રમબદ્ધ-પર્યાયમાં ભલે થયા કરે. રે ભાઈ! શું એકલા વિકારમાં જ પરિણમવાની આત્માની પ્રભુતા