નંદીશ્વરજિનાલય વગેરે સુવર્ણપુરી – તીર્થધામનાં બધાં જિનાયતનોનાં તથા બહારગામનાં અનેક જિનાયતનોનાં નિર્માણકાર્યમાં તેમ જ સંસ્થાની ગતિવિધિમાં વિવિધ પ્રકારે અનુપમ સેવા આપી છે તે, (પૂજ્ય બહેનશ્રી અને પં. શ્રી હિંમતલાલભાઈના મોટા ભાઈ) આત્માર્થી મુમુક્ષુ ભાઈશ્રી વ્રજલાલભાઈ જેઠાલાલ શાહ (ઇજનેર)નો સ્વર્ગવાસ થતાં આદરણીય પંડિતજી શ્રી હિંમતભાઈએ તથા મુરબ્બી શ્રી વ્રજલાલભાઈના પરિવારે, જો ટ્રસ્ટ ‘ગુરુદેવશ્રીનાં વચનામૃત’ પુસ્તક પ્રકાશિત કરવાની યોજના શીઘ્ર કાર્યાન્વિત કરે તો, પોતાના પૂજ્ય મુરબ્બી શ્રી વ્રજલાલભાઈએ સ્વયં દર્શાવેલી ભાવના અનુસાર ધર્માદામાં જાહેર કરેલી એક લાખ રૂપિયાની રકમમાંથી રૂપિયા દસ હજાર તેના પ્રકાશન ખાતે ફાળવવાની પોતાની ભાવના વ્યક્ત કરી. ટ્રસ્ટે તેમની ભાવનાને સંમતિ આપી. એ રીતે ટ્રસ્ટને ઢીલમાં પડેલા આ પુસ્તકના પ્રકાશનકાર્યમાં વેગ મળ્યો અને આ ‘ગુરુદેવશ્રીનાં વચનામૃત’ પુસ્તકાકારે સાકાર થયાં, જે મુમુક્ષુજગતના હાથમાં પ્રસ્તુત કરતાં અમે અતિ હર્ષાનંદ અનુભવીએ છીએ. આ પુસ્તકની પડતર કિંમત રૂા. ૮=૦૦ થાય છે. જિજ્ઞાસુઓવધુ લાભ લઈ શકે તે માટે તેની વેચાણકિંમત રૂા. ૪=૦૦ રાખવામાં આવી છે.
અંતમાં, અમને આશા છે કે તત્ત્વરસિક જિજ્ઞાસુ જીવો ગુરુદેવશ્રીની સ્વાનુભવરસભીની જ્ઞાનધારામાંથી પ્રવહેલાં આ શુદ્ધાત્મતત્ત્વસ્પર્શી ‘વચનામૃત’ દ્વારા આત્માર્થને પુષ્ટ કરી, સાધનાની સાચી દિશા પ્રાપ્ત કરી, પોતાના સાધનામાર્ગને ઉજ્જ્વળ તેમ જ સુધાસ્યંદી બનાવશે.
ફાગણ વદ ૧૦, વિ. સં. ૨૦૪૪ (પૂ૦ બહેનશ્રી ચંપાબેનની
૫૬મી સમ્યક્ત્વજયંતી)