બધા શુભ પરિણામ આવે તે જુદી વાત છે, પણ તેને રાખવા જેવા કે લાભરૂપ માનવા તે પરાશ્રયદ્રષ્ટિ — મિથ્યાદ્રષ્ટિ છે. ૧૬૮.
મોહી મનુષ્ય જ્યાં એમ મનોરથ સેવે છે કે ‘હું કુટુંબ ને નાતમાં આગળ આવું, ધન, ઘર ને છોકરાંમાં ખૂબ વધું અને લીલી વાડી મૂકીને મરું,’ ત્યાં ગૃહસ્થાશ્રમમાં રહેલા ધર્માત્માઓ આત્માની પ્રતીતિ સહિત પૂર્ણતાના લક્ષે આ ત્રણ પ્રકારના મનોરથ સેવે છેઃ (૧) હું સર્વ સંબંધથી નિવર્તું, (૨) સ્ત્રી આદિ બાહ્ય પરિગ્રહ તથા વિષય-કષાયરૂપ અભ્યંતર પરિગ્રહનો સ્વસન્મુખતાના પુરુષાર્થ વડે ત્યાગ કરીને નિર્ગ્રંથ મુનિ થાઉં, (૩) હું અપૂર્વ સમાધિમરણ પ્રાપ્ત કરું. ૧૬૯.
એક-એક ગુણનું પરિણમન સ્વતંત્ર સીધું થતું નથી પણ અનંતગુણમય અભેદ દ્રવ્યનું પરિણમન થતાં સાથે ગુણોનું પરિણમન થાય છે. એક-એક ગુણ ઉપર દ્રષ્ટિ મૂકતાં ગુણ શુદ્ધ પરિણમતો નથી પણ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ મૂકતાં અનંત ગુણોનું નિર્મળ પરિણમન થાય છે. ગુણભેદ ઉપરની દ્રષ્ટિ છોડીને અનંત ગુણમય દ્રવ્ય ઉપર દ્રષ્ટિ