વેદન થયું, પછી તેને કોઈ બીજો જાણે કે ન જાણે — તેની કાંઈ જ્ઞાનીને અપેક્ષા નથી. જેમ સુગંધી ફૂલ ખીલે છે તેની સુગંધ બીજા કોઈ લે કે ન લે તેની અપેક્ષા ફૂલને નથી, તે તો પોતે પોતામાં જ સુગંધથી ખીલ્યું છે, તેમ ધર્માત્માને પોતાનું આનંદમય સ્વસંવેદન થયું છે તે કોઈ બીજાને દેખાડવા માટે નથી; બીજા જાણે તો પોતાને શાંતિ થાય – એવું કાંઈ ધર્મીને નથી; તે તો પોતે અંદર એકલો-એકલો પોતાના એકત્વમાં આનંદરૂપે પરિણમી જ રહ્યો છે. ૧૮૬.
જડ શરીરના અંગભૂત ઇન્દ્રિયો તે કાંઈ આત્માના જ્ઞાનની ઉત્પત્તિનું સાધન નથી. અતીન્દ્રિય જ્ઞાનસ્વભાવને સાધન બનાવીને જે જ્ઞાન થાય, તે જ આત્માને જાણનારું છે. આવા જ્ઞાનની અનુભૂતિથી સમ્યગ્દર્શન થયા પછી મુમુક્ષુને આત્મા સદાય ઉપયોગસ્વરૂપ જ જણાય છે. ૧૮૭.
અનાદિ-અનંત એવું જે એક નિજ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ તેનું, સ્વસન્મુખ થઈ આરાધન કરવું તે જ પરમાત્મા થવાનો સાચો ઉપાય છે. ૧૮૮.