ધર્મ કરવો છે! પડિમા લઈ લે, બહુ તો સાધુ થઈ જાય; બસ, થઈ ગયો ધર્મ! પણ ભાઈ! સમ્યગ્દર્શન વિના પડિમા કે સાધુપણું કેવું? આત્માર્થીનું શ્રવણ- વાંચન-મનન બધું મૂળ આત્મા માટે છે, સમ્યગ્દર્શન પામવા માટે છે. ૨૨૮.
આ દેહ તો કાચી માટીના ઘડા જેવો છે. જેમ કાચી માટીના ઘડાને ગમે તેટલો ધોવામાં આવે તોપણ તેમાંથી કાદવ જ ઊખળે છે, તેમ સ્નાનાદિ વડે દેહનું ગમે તેટલું લાલન-પાલન કરવામાં આવે તોપણ એ તો અશુચિનું જ ઘર છે. દેહ તો સ્વભાવથી જ અશુચિનો પિંડ છે. આવા દેહને પવિત્ર એક જ પ્રકારે ગણવામાં આવ્યો છે. કયા પ્રકારે? — કે જે દેહમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયધર્મની આરાધના કરવામાં આવે તે દેહને રત્નત્રયના પ્રભાવથી પવિત્ર ગણવામાં આવે છે; જોકે નિશ્ચયથી તો રત્નત્રયની જ પવિત્રતા છે, પણ તેના નિમિત્તે દેહને પણ વ્યવહારે પવિત્ર કહેવાય છે. ૨૨૯.
જેને રાગનો રસ છે — તે રાગ ભલે ભગવાનની ભક્તિનો હો કે જાત્રાનો હો — તે ભગવાન આત્માના અતીન્દ્રિય આનંદરસથી રિક્ત છે, રહિત છે અને