આવ્યા વગર રહેતું નથી. દેવ-ગુરુ ગુણમાં વિશેષ છે તેથી અંદર સમજીને નિમિત્ત ઉપર આરોપ કરી બોલે કે ‘આપે મને તારી દીધો’ તે જુદી વાત છે, પણ જો તેમ માની બેસે તો તે ખોટું છે. ૨૩૨.
શુદ્ધ પરિણામ તે આત્માનો ધર્મ છે. તેમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણે આવી જાય છે, પણ વ્રતાદિનો રાગ તેમાં આવતો નથી. આ શુદ્ધ રત્નત્રયરૂપ જે વીતરાગ ભાવ તે જ બધાં શાસ્ત્રોનું તાત્પર્ય છે, તે જ જિનશાસન છે, તે સર્વજ્ઞ જિનનાથની આજ્ઞા છે ને તે જ વીતરાગી સંતોનું ફરમાન છે. માટે તેને જ શ્રેયરૂપ જાણીને આરાધના કરો. ૨૩૩.
હે જીવ! એક વાર હરખ તો લાવ કે ‘અહો, મારો આત્મા આવો!’ કેવો? — કે સિદ્ધભગવાન જેવો. સિદ્ધભગવાન જેવી જ્ઞાન-આનંદની પરિપૂર્ણ તાકાત મારા આત્મામાં ભરી પડી જ છે, મારા આત્માની તાકાત હણાઈ ગઈ નથી. ‘અરેરે! હું દબાઈ ગયો, વિકારી થઈ ગયો, હવે મારું શું થશે?’ — એમ ડર નહિ, હતાશ ન થા. એક વાર સ્વભાવનો હરખ લાવ, સ્વરૂપનો ઉત્સાહ કર, તેનો મહિમા લાવીને તારા