૧૨૮
પુરુષાર્થને ઉછાળ, તો તને તારા અપૂર્વ આહ્લાદનો અનુભવ થશે, અને તું સિદ્ધપદને પામીશ. ૨૩૪.
જેણે નિજ શુદ્ધાત્મદ્રવ્યનો સ્વીકાર કરીને પરિણતિ તે તરફ વાળી છે એવા ધર્માત્માને હવે ક્ષણે ક્ષણે મુક્તિ તરફ જ પ્રયાણ ચાલી રહ્યું છે, તે મુક્તિપુરીનો પ્રવાસી થયો છે. હવે ‘મારે અનંત સંસાર હશે?’ એવી શંકા તેને ઊઠતી જ નથી; સ્વભાવના જોરે તેને એવી નિઃશંકતા છે કે ‘હવે અલ્પ જ કાળમાં મારી મુક્તદશા ખીલી જશે’. ૨૩૫
જેને જેની રુચિ હોય તે તેની વારંવાર ભાવના ભાવે છે, અને ભાવનાને અનુસાર ભવન થાય છે. જેવી ભાવના તેવું ભવન. શુદ્ધાત્મસ્વભાવની વારંવાર ભાવના કરવાથી તેવું ભવન — પરિણમન થઈ જાય છે. માટે જ્યાં સુધી આત્માની યથાર્થ શ્રદ્ધા, જ્ઞાન ને અનુભવ ન થાય ત્યાં સુધી સત્સમાગમે વારંવાર પ્રીતિપૂર્વક તેનું શ્રવણ, મનન અને ભાવના કર્યા જ કરવી. એ ભાવનાથી જ ભવનો નાશ થાય છે. ૨૩૬.