અરે! એક ગામથી બીજે ગામ જવું હોય ત્યારે લોકો રસ્તામાં ખાવા ભાતું ભેગું લઈ જાય છે; તો પછી આ ભવ છોડીને પરલોકમાં જવા માટે આત્માની ઓળખાણનું કાંઈ ભાતું લીધું? આત્મા કાંઈ આ ભવ જેટલો નથી; આ ભવ પૂરો કરીને પછી પણ આત્મા તો અનંત કાળ અવિનાશી રહેવાનો છે; તો તે અનંત કાળ તેને સુખ મળે તે માટે કાંઈ ઉપાય તો કર. આવો મનુષ્ય-અવતાર ને સત્સંગનો આવો અવસર મળવો બહુ મોંઘો છે. આત્માની દરકાર વગર આવો અવસર ચૂકી જઈશ તો ભવભ્રમણનાં દુઃખથી તારો છૂટકારો ક્યારે થશે? અરે, તું તો ચૈતન્યરાજા! તું પોતે આનંદનો નાથ! ભાઈ, તને આવાં દુઃખ શોભતાં નથી. જેમ અજ્ઞાનથી રાજા પોતાને ભૂલીને ઊકરડામાં આળોટે, તેમ તું તારા ચૈતન્યસ્વરૂપને ભૂલીને રાગના ઊકરડામાં આળોટી રહ્યો છે, પણ એ તારું પદ નથી; તારું પદ તો ચૈતન્યથી શોભતું છે, ચૈતન્યહીરા જડેલું તારું પદ છે, તેમાં રાગ નથી. આવા સ્વરૂપને જાણતાં તને મહા આનંદ થશે. ૨૩૭.
યોગીન્દ્રદેવ કહે છે કે અરે જીવ! હવે તારે ક્યાં સુધી સંસારમાં ભટકવું છે? હજુ તું થાક્યો નથી? હવે