કરી મોટા ઉત્સવપૂર્વક સ્થાનકવાસી જૈન સંપ્રદાયનું દીક્ષાજીવન અંગીકૃત કર્યું હતું.
દીક્ષા લઈને તુરત જ ગુરુદેવશ્રીએ શ્વેતાંબર આગમોનો સખત અભ્યાસ કરવા માંડ્યો. તેઓ સંપ્રદાયની શૈલીનું ચારિત્ર પણ ઘણું કડક પાળતા. થોડા જ વખતમાં તેમની આત્માર્થિતાની, જ્ઞાનપિપાસાની ને ઉગ્ર ચારિત્રની સુવાસ સ્થાનકવાસી સંપ્રદાયમાં એટલી બધી ફેલાઈ ગઈ કે સમાજ તેમને ‘કાઠિયાવાડના કોહિનૂર’ — એ નામથી બિરદાવતો થયો.
ગુરુદેવશ્રી પ્રથમથી જ તીવ્ર પુરુષાર્થી હતા. ‘ગમે તેવું આકરું ચારિત્ર પાળીએ તોપણ કેવળી ભગવાને જો અનંત ભવ દીઠા હશે તો તેમાંથી એક પણ ભવ ઘટવાનો નથી’ — એવી કાળલબ્ધિ ને ભવિતવ્યતાની પુરુષાર્થહીનતાભરી વાતો કોઈ કરે તો તેઓ તે સાંખી શકતા નહિ અને દ્રઢપણે કહેતા કે ‘જે પુરુષાર્થી છે તેને અનંત ભવ હોય જ નહિ, કેવળી ભગવાને પણ તેના અનંત ભવ દીઠા જ નથી, પુરુષાર્થીને ભવસ્થિતિ આદિ કાંઈ નડતું નથી’. ‘પુરુષાર્થ, પુરુષાર્થ ને પુરુષાર્થ’ એ ગુરુદેવનો જીવનમંત્ર હતો.
દીક્ષાપર્યાય દરમ્યાન તેમણે શ્વેતાંબર શાસ્ત્રોનો ઊંડા મનનપૂર્વક ઘણો અભ્યાસ કર્યો. છતાં જેની શોધમાં તેઓ હતા તે તેમને હજુ મળ્યું નહોતું.
વિ. સં. ૧૯૭૮માં વિધિની કોઈ ધન્ય પળે દિગંબર જૈનાચાર્ય શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર નામનો મહાન ગ્રંથ પૂર્વભવના પ્રબળ સંસ્કારી એવા આ મહાપુરુષના કરકમળમાં આવ્યો. તે વાંચતાં જ તેમના હર્ષનો પાર ન રહ્યો. જેની શોધમાં તેઓ હતા તે તેમને મળી ગયું. ગુરુદેવશ્રીના