અંતરનયને સમયસારમાં અમૃતનાં સરોવર છલકાતાં જોયા; એક પછી એક ગાથા વાંચતાં તેમણે ઘૂંટડા ભરી ભરીને તે અમૃત પીધું. ગુરુદેવે ગ્રંથાધિરાજ સમયસારમાં કહેલા ભાવોનું ઊંડું મંથન કર્યું અને ક્રમે સમયસાર દ્વારા ગુરુદેવ પર અપૂર્વ, અલૌકિક, અનુપમ ઉપકાર થયો. ગુરુદેવના આત્માનંદનો પાર ન રહ્યો. તેમના અંતર્જીવનમાં પરમ પવિત્ર પરિવર્તન થયું. ભૂલી પડેલી પરિણતિએ નિજ ઘર દેખ્યું. ઉપયોગનો પ્રવાહ સુધાસિંધુ જ્ઞાયકદેવ તરફ વળ્યો. તેમની જ્ઞાનકળા અપૂર્વ રીતે ખીલવા લાગી.
વિ. સં. ૧૯૯૧ સુધી સ્થાનકવાસી સંપ્રદાયમાં રહી પૂજ્ય ગુરુદેવે સૌરાષ્ટ્રનાં અનેક પ્રમુખ શહેરોમાં ચાતુર્માસ તેમ જ શેષ કાળમાં સેંકડો નાનાંમોટાં ગામોમાં વિહાર કરી લુપ્તપ્રાય અધ્યાત્મધર્મનો ઘણો ઉદ્યોત કર્યો. તેમનાં પ્રવચનોમાં એવા અલૌકિક આધ્યાત્મિક ન્યાયો આવતા કે જે બીજે ક્યાંય સાંભળવા ન મળ્યા હોય. પ્રત્યેક પ્રવચનમાં તેઓ ભવાન્તકારી કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શન પર અત્યંત અત્યંત ભાર મૂકતા. તેઓશ્રી કહેતાઃ ‘‘શરીરનાં ચામડાં ઊતરડીને ખાર છાંટનાર ઉપર પણ ક્રોધ ન કર્યો — એવાં વ્યવહારચારિત્રો આ જીવે અનંત વાર પાળ્યાં છે, પણ સમ્યગ્દર્શન એક વાર પણ પ્રાપ્ત કર્યું નથી. ...લાખો જીવોની હિંસાનાં પાપ કરતાં મિથ્યાદર્શનનું પાપ અનંતગણું છે. ...સમકિત સહેલું નથી, લાખો કરોડોમાં કોઈક વિરલ જીવને જ તે હોય છે. સમકિતી જીવ પોતાના સમ્યક્ત્વનો નિર્ણય પોતે જ કરી શકે છે. સમકિતી આખા બ્રહ્માંડના ભાવોને પી ગયો હોય છે. સમકિત એ કોઈ જુદી જ વસ્તુ છે. સમકિત વિનાની ક્રિયાઓ એકડા વિનાનાં મીંડાં છે. ...જાણપણું તે જ્ઞાન નથી; સમકિત સહિત જાણપણું તે જ જ્ઞાન છે. અગિયાર અંગ કંઠાગ્રે હોય પણ સમકિત ન હોય તો તે અજ્ઞાન છે. ...સમકિતીને