તો મોક્ષના અનંત અતીન્દ્રિય સુખની વાનગી પ્રાપ્ત થઈ હોય છે. તે વાનગી મોક્ષના સુખના અનંતમા ભાગે હોવા છતાં અનંત છે.’’ આ રીતે સમ્યગ્દર્શનનું અદ્ભુત માહાત્મ્ય અનેક સમ્યક્ યુક્તિઓથી, અનેક પ્રમાણોથી અને અનેક સચોટ દ્રષ્ટાંતોથી તેઓશ્રી લોકોને ઠસાવતા. તેમનો પ્રિય અને મુખ્ય વિષય સમ્યગ્દર્શન હતો.
ગુરુદેવને સમયસારપ્રરૂપિત વાસ્તવિક વસ્તુસ્વભાવ અને સ્વાનુભૂતિપ્રધાન વાસ્તવિક દિગંબર નિર્ગ્રંથમાર્ગ ઘણા વખતથી અંદરમાં સત્ય લાગતો હતો, અને બહારમાં વેષ તથા આચાર જુદા હતા, — એ વિષમ સ્થિતિ તેમને ખટકતી હતી; તેથી તેઓશ્રીએ સોનગઢમાં યોગ્ય સમયે — વિ. સં. ૧૯૯૧ની ચૈત્ર સુદ ૧૩ (મહાવીરજયંતી)ના દિને — ‘પરિવર્તન’ કર્યું, સ્થાનકવાસી સંપ્રદાયનો ત્યાગ કર્યો, ‘હવેથી હું આત્મસાધક દિગંબર જૈનમાર્ગાનુયાયી બ્રહ્મચારી છું’ એમ ઘોષિત કર્યું. ‘પરિવર્તન’ના કારણે પ્રચંડ વિરોધ થયો, તોપણ આ નીડર ને નિસ્પૃહ મહાત્માએ તેની કાંઈ પરવા કરી નહિ. હજારોની માનવમેદનીમાં ગર્જતો આ અધ્યાત્મકેસરી સત્ને ખાતર જગતથી તદ્ન નિરપેક્ષપણે સોનગઢના એકાંત સ્થળમાં જઈને બેઠો. શરૂઆતમાં ખળભળાટ તો થયો; પરંતુ ગુરુદેવશ્રી કાઠિયાવાડના સ્થાનકવાસી જૈનોનાં હૃદયમાં પેસી ગયા હતા, ગુરુદેવશ્રી પ્રત્યે તેઓ મુગ્ધ બન્યા હતા, તેથી ‘ગુરુદેવે જે કર્યું હશે તે સમજીને જ કર્યું હશે’ એમ વિચારીને ધીમે ધીમે લોકોનો પ્રવાહ સોનગઢ તરફ વહેવા લાગ્યો. સોનગઢ તરફ વહેતાં સત્સંગાર્થી જનોનાં પૂર દિનપ્રતિદિન વેગપૂર્વક વધતાં જ ગયાં.
સમયસાર, પ્રવચનસાર, નિયમસાર વગેરે શાસ્ત્રો પર પ્રવચન