સંયોગનું લક્ષ છોડી દે ને નિર્વિકલ્પ એકરૂપ વસ્તુ છે તેનો આશ્રય લે. ‘વર્તમાનમાં ત્રિકાળી જ્ઞાયક તે હું છું’ એમ આશ્રય કર. ગુણ-ગુણીના ભેદનું પણ લક્ષ છોડીને એકરૂપ ગુણીની દ્રષ્ટિ કર. તને સમતા થશે, આનંદ થશે, દુઃખનો નાશ થશે. એક ચૈતન્યવસ્તુ ધ્રુવ છે, તેમાં દ્રષ્ટિ દેવાથી તને મુક્તિનો માર્ગ પ્રગટ થશે. અભેદ ચીજ કે જેમાં ગુણ-ગુણીના ભેદનો પણ અભાવ છે ત્યાં જા, તને ધર્મ થશે, રાગથી ને દુઃખથી છૂટવાનો પંથ તને હાથ આવશે. ૨૭૩.
પં૦ ભાગચંદજી કૃત ‘સત્તાસ્વરૂપ’માં અર્હંતનું સ્વરૂપ જાણીને ગૃહીત મિથ્યાત્વ ટાળવાનું સ્વરૂપ બહુ સારી રીતે સમજાવેલ છે. પરમાર્થતત્ત્વના વિરોધી એવાં કુદેવ, કુગુરુ અને કુશાસ્ત્રને ઠીક માનવાં તે ગૃહીત મિથ્યાત્વ છે. હું પરનો કર્તા છું, (કર્મથી) રોકાયેલો છું, પરથી જુદો — સ્વતંત્ર નથી, શુભરાગથી મને ગુણ થાય છે એવી જે ઊંધી માન્યતા અનાદિથી છે તે અગૃહીત મિથ્યાત્વ અથવા નિશ્ચયમિથ્યાત્વ છે. તે નિશ્ચયમિથ્યાત્વ ટાળવા પહેલાં, જે ગૃહીત મિથ્યાત્વ અથવા વ્યવહાર- મિથ્યાત્વ છે તે ટાળવું જોઈએ. ૨૭૪.