૧૫૬
પ્રવેશી શકતું નથી; માટે આત્મામાં ડૂબકી મારીને તારી સુખશક્તિને ઉછાળ – ઉછાળ!! એટલે કે પર્યાયમાં પરિણમાવ, જેથી તને તારા સુખનો પ્રગટ અનુભવ થશે. ૨૮૬.
આજે શ્રી મહાવીર ભગવાનના નિર્વાણકલ્યાણકનો મંગળ દિવસ છે. મહાવીર પરમાત્મા પણ, જેવા આ બધા આત્મા છે તેવા આત્મા હતા; તેમને સત્સમાગમે આત્માનું ભાન થયું અને અનુક્રમે સાધનાના ઉન્નતિક્રમમાં ચડતાં ચડતાં તીર્થંકર થયા. જેમ ચોસઠપહોરી પીપર પીસતાં પીસતાં તીખી તીખી થતી જાય છે, તેમ આત્મામાં જે પરમાનંદ શક્તિરૂપે ભર્યો છે તે (સ્વસન્મુખતાના અંતર્મુખ) પ્રયાસ વડે બહાર આવે છે. મહાવીર ભગવાને, પોતાના આત્મામાં જે પૂર્ણ પરમાનંદ ભર્યો હતો તેને પોતે અનુક્રમે પ્રયાસ કરીને પ્રગટ કરી લીધો, મન, વાણી અને દેહથી છૂટું પૂર્ણ જ્ઞાનાનંદમય જે નિજ તત્ત્વ તેને પૂર્ણપણે સાધી લીધું.
જેમને પૂર્ણ પરમાનંદ પ્રગટ થઈ ગયો છે એવા પરમાત્મા ફરીને અવતાર લેતા નથી, પરંતુ જગતના જીવોમાંથી કોઈ જીવ ઉન્નતિક્રમે ચડતાં ચડતાં જગદ્ગુરુ ‘તીર્થંકર’ થાય છે. જગતના જીવોને ધર્મ પામવાની