કર્યું હતું તે પ્રકારનું, સ્વાનુભવપ્રધાન દિગંબર જૈનધર્મની સનાતન સત્યતાની પ્રસિદ્ધિનું ગૌરવપૂર્ણ મહાન કાર્ય અહા! પૂજ્ય ગુરુદેવે શ્વેતાંબરબહુલ પ્રદેશમાં રહી, પોતાના સ્વાનુભવમુદ્રિત સમ્યક્ત્વપ્રધાન સદુપદેશ દ્વારા હજારો સ્થાનકવાસી શ્વેતાંબરોમાં શ્રદ્ધાનું પરિવર્તન લાવીને, સહજપણે છતાં ચમત્કારિક રીતે કર્યું. સૌરાષ્ટ્રમાં નામશેષ થઈ ગયેલા આત્માનુભૂતિમૂલક દિગંબર જૈન ધર્મના — પૂજ્ય ગુરુદેવના પ્રભાવનાયોગે ઠેરઠેર થયેલાં દિગંબર જૈન મંદિરો, તેમની મંગલ પ્રતિષ્ઠાઓ તથા આધ્યાત્મિક પ્રવચનો દ્વારા થયેલા — પુનરુદ્ધારનો યુગ આચાર્યવર શ્રી નેમિચંદ્ર સિદ્ધાન્ત- ચક્રવર્તીના મંદિરનિર્માણ-યુગની યાદ આપે છે. અહા! કેવો અદ્ભુત આચાર્યતુલ્ય ઉત્તમ પ્રભાવનાયોગ! ખરેખર, પૂજ્ય ગુરુદેવ દ્વારા આ યુગમાં એક સમર્થ પ્રભાવક આચાર્ય જેવાં જિનશાસનોન્નતિકર અદ્ભુત અનુપમ કાર્યો થયાં છે.
પૂજ્ય ગુરુદેવે બબ્બે વાર સહસ્રાધિક વિશાળ મુમુક્ષુસંઘ સહિત પૂર્વ, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ભારતનાં જૈન તીર્થોની પાવન યાત્રા કરી, ભારતનાં અનેક નાનાંમોટાં નગરોમાં પ્રવચનો આપ્યાં અને નાઇરોબી (આફ્રિકા)નો, નવનિર્મિત દિગંબર જિનમંદિરની પ્રતિષ્ઠા નિમિત્તે, પ્રવાસ કર્યો — જે દ્વારા સમગ્ર ભારતમાં તેમ જ વિદેશોમાં શુદ્ધાત્મદ્રષ્ટિપ્રધાન અધ્યાત્મવિદ્યાનો ખૂબ પ્રચાર થયો.
આ અસાધારણ ધર્મોદ્યોત સ્વયમેવ વિના-પ્રયત્ને સાહજિક રીતે થયો. ગુરુદેવે ધર્મપ્રભાવના માટે કદી કોઈ યોજના વિચારી નહોતી. તે તેમની પ્રકૃતિમાં જ નહોતું. તેમનું સમગ્ર જીવન નિજકલ્યાણસાધનાને સમર્પિત હતું. તેઓશ્રીએ જે સુધાઝરતી આત્માનુભૂતિ પ્રાપ્ત કરી હતી, જે કલ્યાણકારી તથ્યોને આત્મસાત્