આ ભગવાન આત્મામાં જેણે પોતાની દ્રષ્ટિ સ્થાપી છે તે ધર્માત્મા પુરુષ નિરંતર નિઃશંક વર્તતો થકો એક જ્ઞાન- સ્વરૂપ નિજ આત્માને જ અનુભવે છે. ૧૦.
અખંડ દ્રવ્ય અને અવસ્થા બંનેનું જ્ઞાન હોવા છતાં અખંડસ્વભાવ તરફ લક્ષ રાખવું, ઉપયોગનો દોર અખંડ દ્રવ્ય તરફ લઈ જવો, તે અંતરમાં સમભાવને પ્રગટ કરે છે. સ્વાશ્રય વડે બંધનો નાશ કરતો જે નિર્મળ પર્યાય પ્રગટ્યો તેને ભગવાન મોક્ષમાર્ગ અર્થાત્ ધર્મ કહે છે. ૧૧.
ભક્તિ એટલે ભજવું. કોને ભજવું? પોતાના સ્વરૂપને ભજવું. મારું સ્વરૂપ નિર્મળ અને નિર્વિકારી — સિદ્ધ જેવું — છે તેનું યથાર્થ ભાન કરીને તેને ભજવું તે જ નિશ્ચય ભક્તિ છે, ને તે જ પરમાર્થ સ્તુતિ છે. નીચલી ભૂમિકામાં દેવ-શાસ્ત્ર-ગુરુની ભક્તિનો ભાવ આવે તે વ્યવહાર છે, શુભ રાગ છે. કોઈ કહેશે કે આ વાત અઘરી પડે છે. પણ ભાઈ! અનંતા ધર્માત્મા ક્ષણમાં ભિન્ન તત્ત્વોનું ભાન કરી, સ્વરૂપમાં ઠરી — સ્વરૂપની નિશ્ચય ભક્તિ કરી — મોક્ષ ગયા છે, વર્તમાનમાં કેટલાક જાય છે અને ભવિષ્યમાં અનંતા જીવો તેવી જ રીતે જશે. ૧૨.