આગમ કયાં છે? તેના કહેનાર પુરુષ કોણ છે? વગેરે બધો નિર્ણય કરવાનું આવી જાય છે. જ્ઞાનસ્વરૂપ આત્માનો નિર્ણય કરવામાં સાચાં દેવ-શાસ્ત્ર-ગુરુનો નિર્ણય કરવાનું વગેરે બધું ભેગું આવી જાય છે. ૧૯.
ભરત ચક્રવર્તી જેવા ધર્માત્મા પણ ભોજનસમયે રસ્તા ઉપર આવી કોઈ મુનિરાજના આગમનની પ્રતીક્ષા કરતા, ને મુનિરાજ પધારતાં પરમ ભક્તિથી આહારદાન દેતા. અહા! જાણે આંગણે કલ્પવૃક્ષ ફળ્યું હોય, એથી પણ વિશેષ આનંદ ધર્માત્માને મોક્ષમાર્ગસાધક મુનિરાજને પોતાના આંગણે દેખીને થાય છે. પોતાને રાગ રહિત ચૈતન્યસ્વભાવની દ્રષ્ટિ છે ને સર્વસંગત્યાગની ભાવના છે ત્યાં સાધક ગૃહસ્થને આવા શુભભાવ આવે છે. તે શુભરાગની જેટલી મર્યાદા છે તેટલી તે જાણે છે. અંતરનો મોક્ષમાર્ગ તો રાગથી પાર ચૈતન્યસ્વભાવના આશ્રયે પરિણમે છે. શ્રાવકનાં વ્રતમાં એકલા શુભરાગની વાત નથી. જે શુભરાગ છે તેને તો જૈનશાસનમાં પુણ્ય કહ્યું છે ને તે વખતે શ્રાવકને સ્વભાવના આશ્રયે જેટલી શુદ્ધતા વર્તે છે તેટલો ધર્મ છે; તે પરમાર્થવ્રત છે ને તે મોક્ષનું સાધન છે — એમ જાણવું. ૨૦.