૧૨
વસ્તુસ્થિતિની અચલિત મર્યાદાને તોડવી અશક્ય હોવાથી વસ્તુ દ્રવ્યાન્તર કે ગુણાન્તરરૂપે સંક્રમણ પામતી નથી; ગુણાન્તરમાં પર્યાય પણ આવી ગયો. વસ્તુ એની મેળાએ સ્વતંત્ર ફરે, એની તાકાતે ફરે ત્યારે સ્વતંત્રપણે એનો પર્યાય ઊઘડે. કોઈ પરાણે ફેરવી શકતું નથી કે કોઈ પરાણે સમજાવીને એનો પર્યાય ઉઘાડી શકતું નથી. જો કોઈને પરાણે સમજાવી શકાતું હોય તો ત્રિલોકનાથ તીર્થંકરદેવ બધાને મોક્ષમાં લઈ જાય ને! પણ તીર્થંકરદેવ કોઈને મોક્ષમાં લઈ જતા નથી. પોતે સમજે ત્યારે પોતાનો મોક્ષપર્યાય ઊઘડે છે. ૨૧.
સ્વરૂપમાં લીનતા વખતે પર્યાયમાં પણ શાન્તિ અને વસ્તુમાં પણ શાન્તિ, આત્માના આનંદરસમાં શાન્તિ, શાન્તિ ને શાન્તિ; વસ્તુ અને પર્યાયમાં ઓતપ્રોત શાન્તિ. રાગમિશ્રિત વિચાર હતો તે ખેદ છૂટીને પર્યાયમાં અને વસ્તુમાં સમતા, સમતા અને સમતા; વર્તમાન અવસ્થામાં પણ સમતા અને ત્રિકાળી વસ્તુમાં પણ સમતા. આત્માનો આનંદરસ બહાર અને અંદર બધી રીતે ફાટી નીકળે છે; આત્મા વિકલ્પની જાળને ઓળંગીને આનંદરસરૂપ એવા પોતાના સ્વરૂપને પામે છે. ૨૨.