શુભ ભાવને તપ કહેલ છે તે ઉપચારથી છે. તેમાં શુભ રાગ રહ્યો છે તે ગુણકર — નિર્જરાનું કારણ — નથી. પુણ્ય-પાપ રહિત સ્વભાવના જોરે શુદ્ધતાની વૃદ્ધિ અને અંશે અંશે રાગનું ટળવું થાય તે નિર્જરા છે. ‘तपसा निर्जरा च’ એમ શ્રી ઉમાસ્વામી-આચાર્યદેવે તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે; તેનો અર્થ રોટલા છોડવા તે તપશ્ચર્યા નથી, પણ સ્વભાવમાં રમણતા થતાં રોટલા સહજ છૂટી જાય તે તપ છે. એવું તપ જીવે અનાદિ કાળમાં પૂર્વે કદી કર્યું નથી.
‘હું અખંડાનંદ પરિપૂર્ણ જ્ઞાયકતત્ત્વ છું’ એમ સ્વભાવના લક્ષે ઠર્યો ત્યાં રાગ છૂટતાં, રાગમાં નિમિત્ત જે શરીર તેના ઉપરનું લક્ષ સહેજે છૂટી જાય છે અને શરીર ઉપરનું લક્ષ છૂટતાં આહારાદિ પણ છૂટી જાય છે. આ રીતે સ્વભાવના ભાન સહિત અંદર શાન્તિપૂર્વક ઠર્યો તે જ તપશ્ચર્યા છે. સ્વભાવના ભાન વગર ‘ઇચ્છાને રોકું, ત્યાગ કરું’ એમ કહે, પણ ભાન વગર તે કોના જોરે ત્યાગ કરશે? શેમાં જઈને ઠરશે? વસ્તુસ્વરૂપ તો યથાર્થપણે સમજ્યો નથી.
આત્મામાં રોટલા વગેરે કોઈ પણ જડ પદાર્થનાં ગ્રહણ-ત્યાગ નથી, પરનું કોઈ પ્રકારે લેવું-મૂકવું નથી. હું નિરાલંબી જ્ઞાયકસ્વભાવી છું એવી શ્રદ્ધાના જોરે અંદર સ્વરૂપમાં એકાગ્ર થતાં આહારાદિનો વિકલ્પ છૂટી જાય તે તપ છે અને અંતરની લીનતામાં જે