કર. આત્માનુભવનું એવું માહાત્મ્ય છે કે પરિષહ આવ્યે પણ જીવની જ્ઞાનધારા ડગે નહિ. ત્રણ કાળ ને ત્રણ લોકની પ્રતિકૂળતાના ગંજ એકસાથે સામે આવીને ઊભા રહે તોપણ માત્ર જ્ઞાતાપણે રહીને તે બધું સહન કરવાની શક્તિ આત્માના જ્ઞાયકસ્વભાવની એક સમયની પર્યાયમાં રહેલી છે. શરીરાદિ ને રાગાદિથી ભિન્નપણે જેણે આત્માને જાણ્યો તેને એ પરિષહોના ગંજ જરા પણ અસર કરી શકે નહિ — ચૈતન્ય પોતાની જ્ઞાતૃધારાથી જરા પણ ડગે નહિ ને સ્વરૂપસ્થિરતાપૂર્વક બે ઘડી સ્વરૂપમાં લીનતા થાય તો પૂર્ણ કેવળજ્ઞાન પ્રગટ કરે, જીવન્મુક્તદશા થાય અને મોક્ષદશા થાય. ૩૮.
અજ્ઞાની માને છે કે ભગવાન મને તારી દેશે – ઉગારી દેશે; એનો અર્થ એવો થયો કે મારામાં કાંઈ માલ નથી, હું તો સાવ નમાલો છું. એમ પરાધીન થઈને, સાક્ષાત્ ભગવાન સામે કે તેમની વીતરાગ પ્રતિમા સામે રાંકો થઈને, કહે કે ભગવાન! મને મુક્ત કરજો. ‘दीन भयो प्रभुपद जपै, मुक्ति क हाँसे होय?’ રાંકો થઈને કહે કે હે પ્રભુ! મને મુક્તિ આપો; પણ ભગવાન પાસે તારી મુક્તિ ક્યાં છે? તારી મુક્તિ તારામાં જ છે. ભગવાન તને કહે છે કે દરેક આત્મા